કોંગ્રેસે બિહારના સહપ્રભારી અને ગુજરાતના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને સાઈડ કોર્નર કરવાનો નિર્ણય લીધો છે. બિહરાના કોઈ પણ કાર્યક્રમમાં તેમને નિમંત્રણ આપવામાં આવી રહ્યા નથી. આ નિર્ણય પાછળ ગુજરાતમાં પરપ્રાંતીયો પર થયેલા હુમલાની અવિરત ઘટનાઓના કારણે લેવામાં આવ્યો છે. હજારોની સંખ્યામાં બિહારીઓએ પોતાના વતન ભણી ગુજરાતમાંથી હિજરત કરી છે. બિહારીઓની ગુજરાતમાંથી હિજરતની ઘટના પછી અલ્પેશ ઠાકોર વિરુદ્વ બિહારમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, આના કારણે કોંગ્રેસે બિહરાના સહપ્રભારી એવા અલ્પેશ ઠાકોરને બિહારથી દુર રાખવાનું વલણ અપનાવ્યું હોવાનું લાગી રહ્યું છે.
બિહાર કોંગ્રેસ દ્વારા સોમવારે પટનામાં શ્રી કૃષ્ણસિંહની જયંતિ પર ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું છે. પરંતુ બિહાર કોંગ્રેસના અધ્યક્ષ મદન મોહન ઝાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે આ આયોજનમાં અલ્પેશ ઠાકોરને નિમંત્રણ આપવામાં આવ્યું નથી. જોકે, ગુજરાતના નેતા શક્તિસિંહ ગોહીલ આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે. શક્તિસિંહ ગોહીલ બિહાર કોંગ્રેસના પ્રભારી છે.
કેટલાક કોંગ્રેસીએ માની રહ્યા છે કે વર્તમાન સમયમાં સામાજિક અને રાજકીય સ્થિતિ જોતાં અલ્પેશ ઠાકોરને બિહારની જવાબદારીમાંથી મૂક્ત કરી અન્ય જવાબદારી સોંપવામાં આવે. પરંતુ જાહેરમાં આવી માંગ કરવાથી કોંગ્રેસીએ અળગા થઈ રહ્યા છે. શરૂઆતમાં બિહરાના નેતાઓએ પણ અલ્પેશ ઠાકોરનો બચાવ કર્યો હતો પરંતુ લોક રોષ વધતા કોંગ્રેસે અલ્પેશ મામલે પીછેહઠ કરવી પડી હતી અને નિર્ણયમાં ફેરફાર કરવાની ફરજ પડી છે..
પાછલા કેટલાક સમયથી સુરત સહિત ગુજરાતના અન્ય વિસ્તારોમાં નાની બાળકીઓ સાથે બળાત્કારની ઘટનાઓ બની છે અને તેમાં ઉત્તર ભારતીય યુવાનો પકડાયા હોવાથી ગુજરાતના લોકોમાં ઉત્તર ભારતીય યુવાનો પ્રત્યે પ્રચંડ રોષ ભભૂકી રહ્યો છે.