ગાંધીનગર : ગુજરાત સરકાર તરફતી વાઇબ્રન્ટ ગુજરાતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પાછલા ગુરુવારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે દિલ્હી ખાતે અનેક ઉદ્યોગ અગ્રણીઓ સાથે વન-ટુ-વન બેઠક પણ કરી હતી. હવે આજે એટલે કે બીજી ડિસેમ્બરે સીએમ ભુપેન્દ્ર પટેલ મુંબઈ ખાતે ગુજરાત વાઇબ્રન્ટ અંતર્ગત રોડ શો યોજશે. જે પછી અનેક ઉદ્યોગપતિઓ સાથે ખાસ બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022ના સંદર્ભમાં બીજી ડિસેમ્બરે મુંબઇમાં રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરૂવારે સવારે મુંબઇની તાજ મહેલ પેલેસ હોટલમાં યોજાનારા રોડ-શો પૂર્વે બિઝનેસ લીડર્સ, અગ્રણી ઊદ્યોગ સંચાલકો સાથે વન-ટુ-વન બેઠક કરશે. તે પછી સવારે 11 વાગે રોડ-શો માં વાયબ્રન્ટ સમિટ-2022ની વિશેષતાઓ રજૂ કરશે.
ગુજરાતના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે મુંબઇમાં વિવિધ રાષ્ટ્રોના કોન્સ્યુલેટ જનરલની ભોજન બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે નાણાંપ્રધાન કનુ દેસાઇ, ઊદ્યોગ રાજ્યપ્રધાન જગદીશ વિશ્વકર્મા, મુખ્યપ્રધાન મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર તેમજ વરિષ્ઠ અધિક મુખ્ય સચિવઓ, સચિવઓ પણ હાજર રહેશે.