નવી દિલ્હીઃ કેન્દ્રની ગાઈડલાઈનમાં ડિજિટલ પ્લેટફોર્મ પર કાર્યવાહી કરવાની કોઈ જોગવાઈ અંગે સુપ્રીમ કોર્ટે મહત્વનું નિવેદન આપ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સોશિયલ મીડિયા રેગ્યુલેશન અંગેની કેન્દ્રની માર્ગદર્શિકામાં અયોગ્ય સામગ્રી દર્શાવતા ડિજિટલ પ્લેટફોર્મ સામે યોગ્ય પગલા માટેની જોગવાઈ નથી. સરકારે જે નવા નિયમો બનાવ્યા છે, તે દાંત અને નખ વગરનો સિંહ છે. આ નિયમોમાં સજાની જોગવાઈ નથી, આ ફક્ત માર્ગદર્શિકા છે.
આ સાથે વેબ સીરીઝ તાંડવ પર નોંધાયેલી એફઆઈઆર પર એમેઝોન પ્રાઈમ વીડિયોની પ્રધાન અપર્ણા પુરોહિતની ધરપકડથી વચગાળાના રક્ષણની મંજૂરી આપવામાં આવી હતી. જસ્ટિસ અશોક ભૂષણ અને ન્યાયાધીશ આર.એસ. રેડ્ડીની ખંડપીઠે પણ વેબ સીરીઝ અંગે દાખલ એફઆઈઆર પર ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ ફટકારી હતી. કોર્ટે કહ્યું કે સોશિયલ મીડિયા પર કેન્દ્રના નિયમો ફક્ત માર્ગદર્શિકા છે, ડિજિટલ પ્લેટફોર્મ સામે કાર્યવાહી કરવા અંગે કોઈ જોગવાઈ નથી.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કેન્દ્રની તરફેણમાં જણાવ્યું હતું કે સરકાર યોગ્ય પગલાઓ પર વિચાર કરશે, ડિજિટલ પ્લેટફોર્મ માટે કોઈ પ્રકારના નિયમો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે સરકાર નથી ઇચ્છતી કે તે સેન્સરશિપ લાવે. સરકારે સંતુલન બનાવવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું હતું કે તેઓ વધુ સારા નિયમોનો ડ્રાફ્ટ રજૂ કરશે.
સર્વોચ્ચ અદાલતે ગુરુવારે કહ્યું હતું કે કેટલાક ઓવર-ધ-ટોપ (ઓટીટી) પ્લેટફોર્મ કેટલીકવાર અમુક પ્રકારની અશ્લીલ સામગ્રી બતાવે છે અને આવા કાર્યક્રમો પર દેખરેખ રાખવા માટે કોઈ પદ્ધતિની જરૂર છે. મહેતાએ જણાવ્યું હતું કે તેઓ માહિતી ટેકનોલોજી (મધ્યવર્તી સંસ્થાઓ અને ડિજિટલ મીડિયા આચારસંહિતા માટેની માર્ગદર્શિકા) નિયમો 2021 ને રેકોર્ડ પર રાખશે.
ઉલ્લેખનીય છે કે, 19 જાન્યુઆરી 2021 ના રોજ ગ્રેટર નોઈડાના રબુપુરા પોલીસ સ્ટેશનમાં રૌનીજા ગામના બલબીર આઝાદ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદમાં આઝાદે આક્ષેપ કર્યો હતો કે આ શોમાં ઉત્તર પ્રદેશ પોલીસ અને પોલીસ અધિકારીઓનું ખરાબ ચિત્રણ કરવામાં આવ્યું છે. આ સિવાય ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, બિહાર અને દિલ્હીમાં આ મામલે અનેક એફઆઈઆર નોંધાઈ છે.