Cement price સિમેન્ટના ભાવમાં ઉછાળો, ઘર બનાવવું થઇ શકે છે મોંઘું
Cement price જો તમે ઘર બનાવવા યોજના બનાવી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે મહત્વના બની શકે છે. આગામી મહિનાઓમાં સિમેન્ટના ભાવમાં વધારો થવાની શકયતા છે. ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં વધતી ગતિ અને ગ્રામીણ-શહેરી આવાસ યોજનાઓના કારણે સિમેન્ટની માંગમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. ક્રિસિલ ઇન્ટેલિજન્સના તાજેતરના અહેવાલ અનુસાર, નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન સિમેન્ટની કુલ માંગમાં 6.5%થી 7.5%નો વધારો થઈ શકે છે.
અહેવાલ મુજબ ગયા વર્ષે માંગ નબળી રહી હતી – માત્ર 4.5% થી 5.5%ની વચ્ચે. સામાન્ય ચૂંટણીઓ, અતિશય વરસાદ અને કેટલીક રાજ્ય સરકારોના ધીમા ખર્ચના કારણે માળખાગત કામગીરીમાં ધીમો પડછાયો જોવા મળ્યો હતો. જોકે આ વર્ષે સરકાર દ્વારા ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ અને ગ્રામીણ વિકાસ માટે વધારેલા બજેટ ફાળવણીઓથી માંગમાં તેજી જોવા મળવાની શક્યતા છે.
સિમેન્ટની માંગમાં મોટો ફાળો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રનો રહેશે – અંદાજે 29-30%. રસ્તા, રેલ્વે, સિંચાઈ, શહેરી ઇન્ફ્રા જેવા ક્ષેત્રોમાં મજબૂત પ્રવૃત્તિથી ઉત્પાદકોને સક્રિય રાખશે. સાથે સાથે, ગ્રામીણ આવાસ ક્ષેત્ર પણ 32-34% યોગદાન આપશે. પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ, મનરેગા અને PMGSY જેવી યોજનાઓના કારણે ગ્રામીણ બાંધકામ ધબકતું રહેશે.
શહેરી ગૃહનિર્માણમાં પણ નવો ઉલ્લાસ જોવા મળ્યો છે. PMAY – શહેરી માટે 45%નું વધારેલું બજેટ અને વ્યાજ દરમાં સંભવિત ઘટાડો કારણભૂત બની શકે છે. વાણિજ્યિક રિયલ એસ્ટેટ અને વેરહાઉસિંગની મજબૂત માંગથી ઔદ્યોગિક ક્ષેત્ર પણ 13-15% યોગદાન આપશે.
આ તમામ પરિબળો જણાવી રહ્યા છે કે આવનારા સમયમાં સિમેન્ટના ભાવમાં સતત વધારો થવાની શક્યતા છે, તેથી, હવે પ્લાનિંગ કરવું વધારે સમજદારીભર્યું બની શકે છે.