CBIના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાની વિરુદ્વ ખુદ CBIએ FIR દાખલ કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કેસ 15મી ઓક્ટોબરે દાખલ કરવામાં આવ્યો છે. FIRને જોઈએ તો અસ્થાના પર લાંચ લેવાનો આરોપ છે. માલૂમ પડી રહ્યું છે કે રાકેશ અસ્થાનાએ મોઈન કુરેશી નામના શખ્સનો કેસ રદ્દ કરવા માટે લાંચ લીધી છે. આ મામલે પટિયાલા હાઉસ કોર્ટમાં આરોપી મનોજ પ્રસાદ(મીડલ મેન)નું નિવેદન નોંધવામાં આવ્યું છે. મનોજ દુબઈમાં રહે છે.
આ કેસમાં હૈદ્રાબાદ સ્થિત વેપારી સના સતીષની પણ જૂબાની નોંધવામાં આવી છે. આરોપ છે કે મોઈન માટે સના સતીષ રૂપિયાની વ્યવસ્થા કરતો હતો. મનોદ મારફત લાંચ આપવામાં આવી હતી. મનોજને CBIએ પકડી પાડ્યો હતો. 21મી સપ્ટેમ્બરે CBIના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વિરુદ્વ જૂબાની લેવામાં આવી હતી.
જૂબાનીમાં કેહવાયું છે કે રાકેશ અસ્થાના વિરુદ્વ 6 મામલે તપાસ ચાલી રહી છે. સાંડેસરા ગ્રુપમાં પણ રૂપિયા લેવાનો આરોપ છે. આ કેસની ફરીયાદ CVCને કરવામાં આવી છે. આ પૂર્વે રાકેશ અસ્થાનાએ પણ CVC અને PMOને CBI ડાયરેક્ટર આલોક વર્મા વિરુદ્વ ફરીયાદ કરી છે. આલોક વર્મા પર કેસમાં દખલ અંદાજીનો આરોપ મૂકવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાકેશ અસ્થાનાએ હૈદ્રાબાદના શખ્સનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. પત્રમાં લખાયું છે કે CBI ડાયરેક્ટરે આ શખ્સ પાસેથી 2 કરોડ રૂપિયાની લાંચ લીધી છે. જણાવી દઈએ કે આલોક વર્મા અને રાકેસ અસ્થાના વચ્ચે પાછલા ઘણા સમયથી ઝઘડો ચાલી રહ્યો છે. વર્માએ અસ્થાનાની સ્પેશિયલ ડાયરેક્ટરની પોસ્ટનો વિરોધ કર્યો હતો. જ્યારે વર્મા વિદેશની ટૂર પર હતા ત્યારે CBIના પ્રતિનિધિ તરીકે અસ્થાનાનએ બ્યુરોક્રેટસની બેઠકમાં ભાગ લીધો હતો જેને લઈને વર્માએ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.
રાકેશ અસ્થાનાએ સુરતના પોલીસ કમિશનર તરીકે સાડા ચાર વર્ષ ફરજ બજાવી હતી. સુરતમાં તેમની લોક ચાહના ખાસ્સી એવી હતી. તેઓ નરેન્દ્ર મોદીના વિશ્વાસુ અધિકારી તરીકે છાપ ધરાવે છે. લાલુ પ્રસાદના ઘાસચારા કૌભાંડ, નારાયણ સાંઈના રેપ કેસ ઉપરાંત ગોધરા ટ્રેન કાંડની પણ તેમણે તપાસ કરી હતી. તમામ મામલાઓમાં આરોપીએ ફીટ કરી દેવાયા છે. લાલુ પ્રસાદને તો સજા પણ થઈ છે.