ભીમા-કોરેગાંવ કેસમાં વકીલ અને કાર્યકર્તા સુધા ભારદ્વાજને જામીન મળી ગયા છે. બોમ્બે હાઈકોર્ટે બુધવાર, 1 ડિસેમ્બરના રોજ ભારદ્વાજને જામીન આપ્યા હતા.
જોકે, આ કેસમાં ધરપકડ કરાયેલા અન્ય 8 આરોપીઓની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. જેમની જામીન અરજીઓ ફગાવી દેવામાં આવી છે તેમાં સુધીર દેવલે, ડૉ. પી. વરવરા, રોના વિલ્સન, સરેન્દ્ર ગાડલિન્હ, શોમા સેને, મહેશ રાઉત, વર્નન ગોન્સાલ્વિસ અને અરુણ ફરેરાનો સમાવેશ થાય છે.
જસ્ટિસ એસએસ શિંદે અને જસ્ટિસ એનજે જમાદારની ડિવિઝન બેન્ચે આ વર્ષે 4 ઑગસ્ટે સુધા ભારદ્વાજની જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો હતો, જ્યારે 1 સપ્ટેમ્બરના રોજ કોર્ટે બાકીના 8 આરોપીઓના જામીન પર ચુકાદો અનામત રાખ્યો હતો.
બોમ્બે હાઈકોર્ટે સુધા ભારદ્વાજને 8 ડિસેમ્બરે સ્પેશિયલ NIA કોર્ટ સમક્ષ હાજર કરવાનો આદેશ આપ્યો છે. તેના જામીનની શરતો તે જ દિવસે નક્કી કરવામાં આવશે.
આ કેસના તમામ આરોપીઓની 2018માં ધરપકડ કરવામાં આવી હતી. ભારદ્વાજ અને અન્ય આરોપીઓએ કોર્ટને ડિફોલ્ટ જામીન આપવાની માંગ કરી હતી. તેમની દલીલ એવી હતી કે પૂણેની સેશન્સ કોર્ટ યુએપીએના કેસોની સુનાવણી માટે અધિકૃત નથી, તેના આધારે તેમને ડિફોલ્ટ જામીન આપવા જોઈએ.