બિહારઃ થોડા વર્ષો પહેલા દિલ્હીના બુરાડીમાં એક સાથે એક જ પરિવારના 10 કરતા વધારે લોકોએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાની ચકચારી ઘટના બની હતી. જોકે, આવી જ એક દર્દનાક ઘટના બિહારમાં પણ પ્રકાશમાં આવી છે. અહીં એક જ પરિવારના 5 સભ્યોએ એક સાથે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. તેમાં પતિ-પત્ની સહિત 3 બાળકો સામેલ છે. આ ઘટના પછી સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો છે.
આ ઘટના જિલ્લાના રાધોપુર પોલીસ સ્ટેશનના ગદ્દી ગામની છે. અહીં મોડી રાતે મિશ્રી લાલ શાહના ઘરમાંથી ખૂબ ખરાબ વાસ મારવા લાગી હતી. તેથી ગામના લોકોએ સરપંચને વાત કરી હતી. ત્યારપછી સરપંચે રાત્રે 9 વાગે ગ્રામીણોની મદદથી મિશ્રી લાલના ઘરનો દરવાજો ખોલ્યો હતો. ત્યાનું દ્રશ્ય જોઈને સરપંચે પોલીસને જાણ કરી હતી.
જોકે પોલીસે હજી ઓફિશિયલી આ ઘટના વિશે કશું જણાવ્યું નથી અને સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. પરિવારમાં હાજર માતા-પિતાએ ત્રણ બાળકો સાથે શુક્રવારે મોડી રાતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે ફોરેન્સિક ટીમને પણ ઘટના સ્થળે બોલાવી લીધી છે.
પોલીસે જણાવ્યું કે, રાધોપુર પોલીસ સ્ટેશનના ગદ્દી વોર્ડ-12માં રહેતા પતિ-પત્ની, બે દીકરીઓ અને એક દીકરો ફાંસીના ફંદા સાથે લટકતા મળ્યા છે. મૃતક પરિવારમાં પિતાનું નામ મિશ્રીલાલ સાહ જણાવાવમાં આવ્યું છે. આખા પરિવારને અડોશ-પડોશે ગયા શનિવારે જોયા હતા. ત્યારપછી કોઈએ લોકોને ઘરની બહાર આવતા-જતાં જોવા મળ્યા નથી. શુક્રવારે મોડી સાંજે પડોશીઓને શંકા થતાં તેમણે પોલીસને જાણ કરી હતી. જ્યારે દરવાજો ખોલવામાં આવ્યો તો આખો પરિવાર ફાંસીના ફંદા પર લટકતો જોવા મળ્યો હતો.
રાધોપુરના એસપી મનોજ કુમાર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે જણાવ્યું કે, આત્મહત્યાનું કારણ હજી સ્પષ્ટ નથી થયું અને FSLની ટીમથી પણ તપાસ કરાવવામાં આવી રહી છે. અડોશ-પડોશના લોકોનું કહેવું છે કે, પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હતી અને છેલ્લા બે વર્ષથી જમીન વેચીને ગુજરાન ચલાવતા હતા.
પરિવાર કોલસા વેચવાનો વેપાર કરતો હતો, જે લોકડાઉનમાં બંધ થઈ ગયો હતો. પરિવાર આસ-પાસના લોકોને પણ મળવાનું બંધ કરી દીધું હતું. મૃતકોમાં મિશ્રી લાલ સાહ તેમની પત્ની રેણુ દેવી અને તેમની બે સગીર દીકરી અને એખ દીકરો સામેલ છે.