દેશમાં એક તરફ કોરોના અને બીજી તરફ ગરમીનો પ્રકોપ, આ બન્ને વચ્ચે સામાન્ય માણસ પીસાઇ રહ્યો છે. જો કે હવે સામાન્ય માણસો જ નહીં, હવે ગરમીએ ભગવાનને પણ જાણે પરેશાન કરી દીધા છે. ઉનાળાની ગરમી જોઇને વારાણસીમાં ભક્તો ભગવાનને ઠંડા પીણા અર્પણ કરી રહ્યા છે. એટલું જ નહીં, એર કંડિશનર પંખાની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આવું દૃશ્ય ધર્મની નગરી કાશીમાં જોવા મળ્યું હતું. બાબા બટુક ભૈરવનું મંદિર, ભગવાન શિવનાં આઠ સ્વરૂપોમાંથી એક, વારાણસી જિલ્લામાં સ્થિત છે. લોકડાઉન દરમિયાન મંદિર સામાન્ય ભક્તો માટે બંધ છે, પરંતુ મંદિરનાં સેવકો અને પુજારીઓ કોલ્ડડ્રિંક્સ અને ચોકલેટ અર્પણ કરી રહ્યા છે.
આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે તેઓ માને છે કે ગરમી ચરમસીમાએ છે અને વારાણસીમાં તાપમાન 45 ડિગ્રી ઉપર પહોંચી ગયું છે. બાબા બટુક ભૈરવ માટે એર કંડિશનર, પંખો અને એક્ઝોસ્ટ ફેન લગાવવામાં આવ્યા છે. આ દિવસોમાં બનારસનું તાપમાન 45 ડિગ્રીએ પહોંચી ગયું છે. જેના કારણે તમામ મંદિરોમાં ઠંડકની વ્યવસ્થા કરવામાં આવી છે. બાબા બટુક ભૈરવ શિવજીનું બાળ સ્વરૂપ છે અને તેને ઇંડા, માંસ, માછલી અને આલ્કોહોલનો પણ ભોગ ચઢાવવામાં આવે છે. જેમ સામાન્ય દિવસોમાં ભક્તો દ્વારા ચોકલેટ અને ટોફી ચઢાવવામાં આવે છે, ઉનાળામાં બટુક ભૈરવને કોલ્ડડ્રિંક્સ ચઢાવવામાં આવે છે.