Banaskantha: લોકસભાની ચુટણીમાં ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી 25 બેઠકો પર ત્રીજા તબક્કામાં સાતમી મેએ મતદાન થયું હતું. સુરતની એક બેઠક બિનહરીફ થયા બાદ અન્ય 24 બેઠક ભાજપે જીતી છે. જ્યારે બનાસકાંઠા લોકસભાની બેઠક પર કોંગ્રેસના એક માત્ર ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત થઈ હતી. બનાસકાંઠા લોકસભાની બેઠક પર જીત થતા ગેનીબેન વાવ વિધાનસભા બેઠક પરથી પોતાનું રાજીનામું આપી દીધુ છે. આ સાથે જ વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનું સંખ્યાબળ 13થી ઘટીને 12 થઈ ગઈ છે. ત્યારે હવે વાવ બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ કયા નેતાને ઉતારશે તે અંગેની ચર્ચાઓ શરૂ થઈ છે.
બનાસકાંઠાથી સાંસદ બનતા ગેનીબેન ઠાકોર વાવના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યુ છે
ત્યારે હવે આ બેઠક ખાલી પડતા છ મહિનાની અંદર વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાશે. ત્યારે આ બેઠક પર કોંગ્રેસ કોને ટિકિટ આપશે તેને લઈને અટકળો તેજ બની છે. અહેવાલો અનુસાર, કોંગ્રેસ જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને વાવ બેઠકથી ટિકિટ આપી શકે છે. આ ઉપરાંત ઠાકરશી રબારીનું નામ ચર્ચાઈ રહ્યું છે, જે વાવ તાલુકાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગેનીબેન ઠાકોરે 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વાવ વિધાનસભા મતવિસ્તારમાંથી ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ તેમાં તેમનો પરાજય થયો હતો. આ પછી ફરી 2017માં તેમણે વાવ મતવિસ્તારમાંથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને 6,655 મતની સરસાઈ સાથે જીત મેળવી હતી. વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ફરીથી વાવ બેઠક પરથી ચૂંટાયા હતા. હવે તેઓ ગુજરાત કૉંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે સંસદમાં હાજરી આપશે.