Arvind Kejriwal daughter wedding : અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતાના બેચમેટ સંભવ સાથે લગ્ન
Arvind Kejriwal daughter wedding : દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના મુખ્ય નેતા અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતા કેજરીવાલના લગ્ન તેમના IITના સહપાઠી સંભવ જૈન સાથે તા. 18 એપ્રિલે દિલ્હીના કપૂરથલા હાઉસ ખાતે યોજાયા હતા. લગ્નનો આ સમારોહ માત્ર નજીકના પરિવારજનો અને પસંદગીના મહેમાનોની ઉપસ્થિતીમાં ખૂબજ મર્યાદિત રીતે આયોજિત કરવામાં આવ્યો હતો.
પ્રેમથી પાંગરેલો સાથીદારોનો સંબંધ
હર્ષિતા અને સંભવ બંનેએ IIT દિલ્હીમાં કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો અને ત્યાંથી જ બંને વચ્ચે મિત્રતાનું બીજું ઉગ્યું. છેલ્લા કેટલાક સમયથી બંને એક સ્ટાર્ટઅપ પર મળીને કામ પણ કરી રહ્યા છે. સંભવ જૈન હાલ એક પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત છે.
સગાઈ શાંગરી-લા હોટેલમાં, લોકપ્રિય રાજકીય ચહેરાઓની હાજરી
લગ્ન પહેલા શાંગરી-લા હોટેલમાં આયોજિત સગાઈ સમારોહમાં કેજરીવાલ દંપતી ઉપરાંત પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, તેમનાં પત્ની અને કેટલાક AAP નેતાઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે કોઈ બોલિવૂડ સેલિબ્રિટી કે મોટા રાજકીય મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું.
20 એપ્રિલે રિસેપ્શન કાર્યક્રમ
સૂત્રોના જણાવ્યા અનુસાર, 20 એપ્રિલે હર્ષિતા અને સંભવ જૈન માટે એક રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, આ કાર્યક્રમ ક્યાં યોજાશે તે અંગે હજી જાહેર કરવામાં આવ્યું નથી. એ પણ અપેક્ષા છે કે આ રિસેપ્શનમાં પણ મર્યાદિત લોકો હાજરી આપશે.
હર્ષિતાની શૈક્ષણિક યાત્રા
29 વર્ષીય હર્ષિતા કેજરીવાલે નોઈડાની દિલ્હી પબ્લિક સ્કૂલમાંથી શિક્ષણ લીધું હતું અને 2014ની IIT-JEE એડવાન્સ્ડ પરીક્ષામાં 3,322મો રેન્ક મેળવ્યો હતો. ત્યારબાદ IIT દિલ્હીમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક અભ્યાસ કર્યો હતો. અભ્યાસ દરમ્યાન તેમણે અનેક પ્રતિષ્ઠિત કંપનીઓમાંથી નોકરીની ઓફરો પ્રાપ્ત કરી હતી. હર્ષિતા તેમના ડિપાર્ટમેન્ટમાં ત્રીજા ક્રમે રહી હતી.