ગુજરાતમાં હિન્દીભાષીઓ પર થઈ રહેલા હુમલામાં ઠાકોર સેનાના પ્રમુખની પોલીસે ધરપકડ કર્યા બાદ ઠાકોર સેનાના ચીફ અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર બેકફૂટ પર આવી ગયા છે. પ્રથમ તો અલ્પેશે પ્રેસ કોન્ફરન્સ યોજી ઠાકોર સેનાના કાર્યકરો સંડોવાયા ન હોવાનું જણાવ્યું હતું પરંતુ ભાજપ દ્વારા અલ્પેશ ઠાકોરની ઠાકોર સેના પર આક્રમક રીતે રાજકીય હુમલો કરવામાં આવતા અલ્પેશ ઠાકોરની મોટી રાજકીય પીછેહઠ થઈ છે. અલ્પેશ ઠાકોરે યુપી અને બિહારના મુખ્યમંત્રીઓને પત્ર લખ્યા છે અને આ પત્રો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
અલ્પેશ ઠાકોરે લખેલા લેટરમાં સ્પષ્ટપણે કહેવાયું છે કે હિન્દીભાષી લોકો પર થઈ રહેલા હુમલામાં ઠાકોર સેનાના કોઈ પણ કાર્યકરની કોઈ સંડોવણી નથી. હિન્દીભાષી અંગે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા સમાચાર બાબતે પણ અલ્પેશ ઠાકોરે કહ્યું છે કે હિન્દીભાષી લોકો પર થયેલા હુમલામાં તેમનું સંગઠન સામેલ નથી.
ગુજરાતની ભાજપ સરકારે હિન્દીભાષી પર થયેલા હુમલા અંગે ઠાકોર સેનાને જવાબદાર ઠેરવી છે. પોલીસ ફરીયાદોમાં પણ ઠાકોર સેનાના નામે આંગળી ચિંધવામાં આવી છે.
હિન્દીભાષીઓ પર થયેલા હુમલા પાછળ 14 મહિનાની બાળકી સાથે બળાત્કાર થવાની ઘટના મુખ્ય કારણ છે. 28મી સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાતના ઢૂંઢર ગામે ઠાકોર સમાજની બાળકી સાથે બિહારી યુવાને દુષ્કર્મ કર્યું હતું. આ ઘટના બાદ ગુજરાતમાં હિન્દીભાષીઓ પર હુમલા શરૂ થઈ ગયા હતા. જે આજે પણ ક્યાંકને ક્યાંક થઈ રહ્યા છે.
અલ્પેશ ઠાકોરે યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને બિહારના સીએમ નીતિશ કુમારે પત્ર લખી હિન્દીભાષીઓ પરના હુમલાની ઘટનામાં પોતે કે પોતાની ઠાકોર સેના જવાબદાર ન હોવાનું જણાવ્યું છે. બન્ને પત્રોનો વિષય એક જ છે. અલ્પેશે કહ્યું કે ઠાકોર સેના માત્ર પીડિતા માટે ન્યાય માંગી રહી છે, પરંતુ તેને રાજકીય રંગ આપી દેવામાં આવ્યો છે.
તેમણે દાવો કર્યો કે યુપી અને બિહારના લોકો અફવા પર આંખ બંધ રાખીને વિશ્વાસ કરી રહ્યા છે અને ગુજરાતથી જઈ રહ્યા છે. આ એક ષડયંત્રના ભાગરૂપ છે. આ પૂર્વે મંગળવારે અલ્પેશ ઠાકોર મીડિયા સમક્ષ વાત કરતા રડી પડ્યા હતા અને કહ્યું હતું કે હું આવી રાજનીતિ કરવા આવ્યો નથી અને આવું ચાલતું રહેશે તો હું રાજનીતિ છોડી દઈશ.