AIADMK-BJP ગઠબંધનની પુષ્ટિ: તમિલનાડુમાં એકસાથે વિધાનસભા ચૂંટણી લડશે, અમિત શાહની જાહેરાત
AIADMK-BJP 11 એપ્રિલ, 2025ના રોજ, કેન્દ્રીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વરિષ્ઠ નેતા અમિત શાહે AIADMK સાથેના ગઠબંધનની પુષ્ટિ કરી છે. તેઓ હાલમાં તમિલનાડુના પ્રવાસે છે અને ચેન્નઈ ખાતે AIADMK નેતા ઇ. પલાનીસ્વામી તથા ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈની ઉપસ્થિતિમાં મિડિયા સાથે વાતચીતમાં આ ગઠબંધનની જાહેરાત કરી.
અમિત શાહે સ્પષ્ટ કહ્યું કે વિધાનસભા ચૂંટણીમાં બંને પક્ષો એકસાથે સ્પર્ધા કરશે. તેમણે ઉમેર્યું કે રાષ્ટ્રીય સ્તરે ચૂંટણીઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ યોજાશે, જ્યારે તમિલનાડુમાં ચૂંટણી AIADMK નેતૃત્વમાં લડી શકાશે. આ વિધાન સાથે એમણે વર્તમાન રાજકીય સ્થિતી પર પ્રકાશ પાડતા કહ્યું કે ભાજપ અને AIADMKના સંબંધો માત્ર ચૂંટણી માટેની ગણતરી નથી, પરંતુ બંને પક્ષોએ વિતેલા વર્ષોમાં રાષ્ટ્રીય હિત માટે ઘણી વખત સાથે કામ કર્યું છે.
શાહે ખાસ કરીને પૂર્વ મુખ્યમંત્રી જયલલિતા અને વડા પ્રધાન મોદીની મિત્રતા અને સહકારની વાત કરી. તેમણે જણાવ્યું કે જયલલિતા અને મોદીએ રાષ્ટ્રીય રાજકારણમાં એકબીજાની સાથે કામ કરી વધુ મજબૂત અને સ્થિર ભારત તરફ યોગદાન આપ્યું છે.
AIADMK નેતા પલાનીસ્વામીએ પણ આ ગઠબંધનનું સ્વાગત કરતા જણાવ્યું કે તેમનું મુખ્ય લક્ષ્ય તમિલનાડુના વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જવાનું છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર સાથે મળીને રાજ્ય માટે વિવિધ વિકાસકામો હાથ ધરવામાં આવશે.
આ ગઠબંધન રાજ્યમાં નવી રાજકીય સમીકરણો ઉભી કરી શકે છે અને વિધાનસભા ચૂંટણી માટે રાજકીય માહોલમાં મોટી હલચલ સર્જી શકે છે. AIADMK-BJPનું મળન પાર્ટીઓ માટે ચૂંટણી સફળતાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે.