રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) અને આસપાસના વિસ્તારોમાં વધી રહેલા વાયુ પ્રદૂષણના સ્તરને ઘટાડવા માટે પગલાં લેવા માટે એક એન્ફોર્સમેન્ટ ટાસ્ક ફોર્સ (ટાસ્ક ફોર્સ)ની રચના કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારે શુક્રવારે સુપ્રીમ કોર્ટને માહિતી આપી છે કે એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશને વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે આ ટાસ્ક ફોર્સની રચના કરી છે.
આના એક દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર તપાસવામાં કેન્દ્ર અને રાજ્યની અસમર્થતા પર સખત નારાજગી વ્યક્ત કરી હતી.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને કહ્યું કે આ પાંચ સભ્યોની ટાસ્ક ફોર્સ પાસે જે નિયમોનું પાલન ન કરે એવા વ્યક્તિઓ અને સંસ્થાઓને સજા કરવાની સત્તા હશે.
આ હેઠળ 17 ટાસ્ક ફોર્સ (તપાસ ટુકડી)ની રચના કરવામાં આવી છે જે સ્થળે-સ્થળે ઓચિંતી તપાસ કરશે અને મુખ્ય ટાસ્ક ફોર્સને સીધો રિપોર્ટ કરશે.
આ તપાસ ટુકડીઓએ 2 ડિસેમ્બરથી કામ કરવાનું શરૂ કર્યું છે અને 25 સ્થળોએ ઓચિંતી તપાસ હાથ ધરી છે.
સરકારે એ પણ ખાતરી આપી છે કે આગામી 24 કલાકમાં આવી ટુકડીઓની સંખ્યા વધારીને 40 કરવામાં આવશે.
કેન્દ્ર સરકારે એમ પણ કહ્યું કે NCRની શાળાઓ અને કોલેજો આગામી આદેશો સુધી બંધ રહેશે. સીએનજી અને ઈલેક્ટ્રીક ટ્રક સિવાય અન્ય ટ્રકોના પ્રવેશ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.