આગ્રા: દેશમાં રોજે રોજ અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે અને તેમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા રહે છે ત્યારે આવી જ એક કમકમાટી ભરી ઘટના ઉત્તર પ્રદેશના આગ્રામાં બની છે. આગ્રામાં વહેલી સવારે સ્કોર્પિયો જીવ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં 8 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે ચાર લોકો ઘાયલ થયા હતા. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થળ પર રાહત કામગીરી શરૂ કરી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. અકસ્માતનો ભોગ બનેલી કાર ઝારખંડની હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ ઘટના આગ્રાના હાઇવે પર ઇતમદપુર તરફથી આવતી એક સ્કોર્પિયો કાર અચાનક બેકાબૂ થઈ ગઈ અને ડિવાઇડર તોડીને રોંગ સાઈડ પર જતી રહી, તે દરમિયાન એક કન્ટેનર રામબાગ તરફથી આવી રહ્યો હતો. સ્કોર્પિયો તે ટ્રક સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો.
બંને વાહનો વચ્ચે જોરદાર ટક્કર થતાની સાથે જ જોરજોરથી અવાજ અને ચીસો સંભળાઈ, જેથી નજીકના લોકો ઘટનાસ્થળે પહોંચીને રાહતની કામગીરી શરૂ કરી હતી તેમજ પોલીસ અને એમ્બ્યુલન્સને પણ જાણ કરી હતી.
બનાવની જાણ કરાતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તો તેમજ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે કહ્યું કે, લોકો કારમાં એટલી ખરાબ રીતે ફસાઈ ગયા હતા કે, તેમને બહાર કાઢવા માટે ઘણી જહેમત ઉઠાવવી પડી હતી.
પોલીસે જણાવ્યું કે સ્કોર્પિયોમાં ડ્રાઇવર સહિત 12 મુસાફરો હતા. આઠ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. અન્ય ચાર લોકો પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમની સારવાર એન.એસ. મેડિકલ કોલેજમાં ચાલી રહી છે.
સ્કોર્પિયો કારનો નંબર JH-13-D- 5029 છે અને ઝારખંડ પાસિંગની છે. પોલીસે જણાવ્યું કે, કારના નંબરના આધારે મુસાફરોની ઓળખ કરવામાં આવી રહી છે.