બેંગ્લુરુઃ નશાનો કારોબાર દેશ અને દુનિયામાં પથરાયેલો છે. ગુજરાતમાં પણ નશાનું જોરદાર નેટવર્ક પથરાયેલું છે. પોલીસ છાશવારે ત્રાટકીને નશાના કારોબારનો પર્દાફાશ કરતી હોય છે. બેંગ્લુરુ પોલીસે આવું જ મોટું રેકેટ ઝડપી પાડ્યું છે. બેગ્લુરુ પોલીસે ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવા માટે રૂપિયા એક કરોડની નકલી નોટોથી 500 કિલોગ્રામ ગાંજાની ખરીદી કરી હતી. ડ્રગ્સ પેડલર બનીને ગાંજો ખરીદનારી પોલીસને ડિલિવરી કરવા માટે રાજસ્થાનના ત્રણ શખ્સો ટ્રક ભરીને ડ્રગ્સ લઈ બેગ્લુરુ પહોંચ્યા હતા. જ્યાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી 1.5 કરોડનો ગાંજો પણ જપ્ત કરવામાં આવ્યો હતો.
ડ્રગ્સ રેકેટના પર્દાફાશનું ઓપરેશન પાર પાડવા માટે બેગ્લુરુ પોલીસે પહેલા તો ફિલ્મોમાં ઉપયોગમાં લેવાતી નકલી નોટોની ખરીદી કરી હતી. ઓપરેશન ટીમમાં સામેલ એક અધિકારીએ જણાવ્યું કે, સ્ટુડિયોમાંથી ખરીદેલી બે હજારની એકદમ અસલી લાગતી હતી. જોકે તે બધી નોટો પર એક જ સિરિયલ નંબર હતો.
પોલીસે કેટલાક સ્થાનિક ડ્રગ્સ પેડલર્સ મારફતે ડ્રગ્સ સપ્લાય કરતા લોકોનો સંપર્ક કર્યો હતો. જોકે પોલીસે તેમની આગળ પોતાની ઓળખ ડ્રગ્સ પેડલર્સ તરીકે આપી હતી. ડ્રગ્સ સપ્લાયર્સ પાસેથી તેમણે એક ટન ડ્રગ્સ ખરીદવાની માગ રજૂ કરી હતી.
જેની સામે સપ્લાયર્સે નાણાં બતાવવાની માગ કરી હતી. જે પછી પોલીસે ફિલ્મ સ્ટૂડિયોમાંથી એક કરોડની નકલી ચલણી નોટો મેળવી હતી અને તે સપ્લાયર્સને બતાવી દેતા તેઓએ 500 ગ્રામ ગાંજો લાવવાની તૈયારી બતાવી હતી. સપ્લાયર્સે ટ્રકના ડ્રાઈવરની સીટની પાછળ બનાવેલા એક ગુપ્ત કમ્પાર્ટમેન્ટમાં ડ્રગ્સ છુપાવ્યું હતુ.
આ ઉપરાંત અન્ય સામાનમાં પણ તેમણે કેટલુંક ડ્રગ્સ છુપાવ્યું હતુ. પોલીસે તેમને નાણાં લેવા માટે કે.આર. પુરમના એક ગોડાઉનમાં બોલાવ્યા હતા. જ્યાં તેમણે પોલીસને પહેલા માલ બતાવ્યો હતો અને આ સાથે પોલીસે તમામને પકડી લઈને ડ્રગ્સ કબજે લઈ લીધું હતુ. જે પછી ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.