નવી દિલ્હી તા.3 : કોઇ પણ તપાસમાં 50 લાખ કે તેથી વધુની અઘોષિત સંપત્તિ સામે આવશે તો આવા કેસમાં છેલ્લા 10 વર્ષ સુધીના આઇટી રિટર્નની તપાસ થશે. સરકારના આ પગલાને બ્લેકમની મામલે મહત્વનું માનવામાં આવી રહ્યું છે.અહીં નોંધનિય છે કે, અત્યાર સુધી આવા કેસમાં છેલ્લા છ વર્ષ સુધીના રિટર્નની તપાસ કરવાનો નિયમ હતો જેમાં આ બજેટમાં સુધારો કરાયો છે અને હવેથી આવા કિસ્સામાં છેલ્લા 10 વર્ષ સુધીના રિટર્નની તપાસ કરવામાં આવશે.
સીબીડીટીના ચેરમેન સુશીલ ચંદ્રાએ આ બજેટ બાદ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, હવે જો 50 લાખ કે તેથી વધુની અઘોષિત બેનામી સંપત્તિ મળશે તો આવા કિસ્સામાં છેલ્લા 10 વર્ષ સુધીના રિટર્નની તપાસ કરવામાં આવશે.નાણા વિધેયક 2017ના અનુસાર ઇન્કમ ટેક્સ કાયદામાં આ સુધારો કરાયો છે. આ સુધારો 1 એપ્રિલ 2017થી લાગુ થશે. જેનો મતલબ એ છે કે કર અધિકારી હવે આવા કિસ્સામાં 2007થી લઇને અત્યાર સુધીના તમામ રિટર્ન અને આવકના સ્ત્રોતની તપાસ કરી શકશે.