બુધવાર, 2 સપ્ટેમ્બરના રોજ 16 દિવસનો શ્રાદ્ધ પક્ષ શરૂ થશે. આ દિવસોમાં પિતૃઓ માટે પિંડદાન કરવામાં આવે છે. દર વર્ષે શ્રાદ્ધમાં બિહારના ગયા, મહારાષ્ટ્ર નાસિક, મધ્યપ્રદેશના ઉજ્જૈન અને ઉત્તરાખંડના બ્રહ્મકપાલમાં લાખો લોકો પિંડદાન કરવા આવે છે. જોકે આ વખતે કોરોનાકાળમાં પરિસ્થિતિ બદલાઈ છે. શ્રાદ્ધ પક્ષ આ તીર્થોના પૂજારીઓ માટે પણ મહત્ત્વપૂર્ણ હોય છે, કારણ કે આ દિવસોમાં વાર્ષિક કમાણીનો ઘણો મોટો હિસ્સો કમાય છે. માર્ચ મહિનાથી જ તીર્થ સ્થાનોમાં પિંડદાન અને તર્પણ સહિતની વિધિઓ બંધ છે. તેવામાં ગયા, બ્રહ્મકપાલ, ઉજ્જૈન અને નાસિકના અનેક પૂજારી પરિવારો પર આર્થિક સંકટ તોળાયું છે. આ વર્ષે કોરોનાને લીધે ગયામાં યોજાનાર મેળો સ્થગિત કરવામાં આવ્યો છે. આ સંબંધિત તીર્થ ક્ષેત્રના પૂજારીઓ સાથે તંત્રની વાતચીત ચાલી રહી છે. ગયામાં પિંડદાન અને તર્પણ સહિતના કર્મ કરાવનાર આશરે 100 મુખ્ય પરિવાર છે. તેમના સાથે આશરે 10 હજાર પંડિત આ કામથી જોડાયેલા છે. દર વર્ષે 10 લાખથી વધારે લોકો શ્રાદ્ધના દિવસોમાં તર્પણ અને પિંડદાન કરાવવા માટે આવે છે. ગયા ક્ષેત્રમાં પંડિતો માટે કમાણીનું એકમાત્ર સાધન આ વિધિઓ હોય છે. 5 મહિનાથી બધુ બંધ છે. માર્ચમાં ચૈત્ર મહિનાનો મેળો ચાલી રહ્યો હતો, તેવામાં જ લોકડાઉન લાગુ થયું હતું. ત્યારથી પંડિતોને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો શ્રાદ્ધમાં તર્પણ અને પિંડદાન વિધિ ન થઈ તો આ વધારે પરિસ્થિતિ ખરાબ બની શકે છે.