Supreme Court પહેલગામ હુમલા પર સુપ્રીમ કોર્ટનું મૌન શોક: જજે કહ્યું – ” આ અમાનવીય કૃત્ય છે”
Supreme Court 22 એપ્રિલ, 2025ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલાની પ્રતિસાદરૂપે સુપ્રીમ કોર્ટમાં મંગળવારે અનોખી રીતે શ્રદ્ધાંજલિ અપાઈ. આ દુઃખદ ઘટનામાં નિર્દોષ પ્રવાસીઓની હત્યા થયા બાદ, સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશો અને વકીલોએ સાથ મળીને બે મિનિટનું મૌન પાળ્યું અને મૃતકો પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
બપોરે 1:59 વાગ્યે કોર્ટમાં સાયરન વાગવાનું શરૂ થયું અને 2 વાગ્યે સમગ્ર કોર્ટ હોલ સ્થિર બની ગયો. તમામ ન્યાયાધીશો, વકીલો અને સ્ટાફ સભ્યો ઊભા રહીને 2:02 સુધી શાંત રહ્યા. આ દરમિયાન, લગભગ 100 વકીલોએ કોર્ટના લૉનમાં એકત્ર થઈ પોતાની આસુવેદના વ્યક્ત કરતા સફેદ રિબન ધારણ કરી વિરોધ દર્શાવ્યો.
સુપ્રીમ કોર્ટની સંપૂર્ણ ખંડપીઠે આ હુમલાની કટુ નિંદા કરતી ઠરાવ પસાર કર્યો. ઠરાવમાં કહ્યું હતું કે “આ એક રાક્ષસી અને અમાનવીય કૃત્ય છે, જે આતંકવાદની અસહ્ય ક્રૂરતાનું પ્રતિબિંબ છે. કાશ્મીરના કુદરતી સૌંદર્યનો આનંદ માણી રહેલા નિર્દોષ લોકો પર આ હુમલો માનવતા સામેની લજાજનક હિંસા છે.”
જજોએ કહ્યુ કે “અમે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંપૂર્ણ સંવેદના વ્યક્ત કરીએ છીએ. દુઃખની આ ઘડીમાં સમગ્ર દેશ પીડિતોની સાથે ઉભો છે.” તેમણે આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી અને ઘાયલોને ઝડપી આરોગ્યલાભ થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી.
વકીલ અમન લેખી અને અશ્વિની ઉપાધ્યાયે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે “આમ લોકોને હત્યા કરતા પહેલાં તેમની ઓળખ, ધર્મ અને કપડાં અંગે પૂછપરછ કરવી એ જ ઉદ્દેશથી થઈ છે કે સમાજમાં ભય અને ભેદભાવ ફેલાવવો. આ પ્રકારની બર્બરતા સામે તાત્કાલિક અને કડક પગલાં ભરવા જોઈએ.”
સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન તથા અન્ય ન્યાયિક સંગઠનોએ પણ આ ઘટનાની નिंદા કરતા ઠરાવ પાસ કર્યા છે અને સરકારને આવી ઘટનાઓ માટે જવાબદાર તત્વોને ઝડપી ન્યાયના કઠેરામાં લાવવાની માંગ કરી છે.