કેરળના 1248 મંદિરોની વ્યવસ્થાનું ધ્યાન રાખનાર ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ પોતાની આવક વધારવા માટે મંદિરોના લગભગ 1200 કિલો સોનાને RBI પાસે રાખવાની તૈયારી કરી રહ્યું છે. જેથી બોર્ડને દર વર્ષે લગભગ 13.5 કરોડની આવક થશે. આ સોનું હાલ મંદિરોમાં આભૂષણ અને વાસણો સ્વરૂપમાં છે. બોર્ડ આ આભૂષણ અને વાસણને પીગાળીને સોનામાં બદલશે. આ સોનું 1200 કિલોથી પણ વધારે હોઇ શકે છે, જેની કિંમત લગભગ 540 કરોડ રૂપિયા છે. ત્રાવણકોર બોર્ડના અધિકાર ક્ષેત્રમાં પદ્મનાભમ્ સ્વામી, સબરીમાલા અને ગુરુવાયુર જેવા મોટા મંદિરો આવે છે. આ પહેલાં ત્રાવણકોર બોર્ડે પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે મંદિરમાં રાખેલાં સેંકડો ટન તાંબાના દીવા અને વાસણોની હરાજી કરવાનો નિર્ણય લીધો હતો, જોકે, ત્યાર બાદ વિવાદ ઊભો થયો અને લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને બોર્ડે આ નિર્ણયને પાછો ખેંચી લીધો. આ મામલે કેરળ હાઇકોર્ટે પણ બોર્ડ પાસે જવાબ માંગ્યો છે.
લોકોએ અપીલ કરી હતી કે, બોર્ડ મંદિરની સંપત્તિઓની આ પ્રકારે હરાજી કરી શકે નહીં. બોર્ડના અધ્યક્ષ એન. વાસુએ મીડિયાને જણાવ્યું કે, મંદિરમાં રાખવામાં આવેલ સોનાની માત્રાનો હિસાબ લગાવવામાં આવી રહ્યો છે. જે 1200 કિલોથી વધારે જ છે. તેનાથી 2.5 ટકા રિટર્ન પ્રમાણે બોર્ડને વાર્ષિક 13 કરોડથી વધારે રૂપિયા મળી શકે છે. જલ્દી જ બોર્ડની મીટિંગમાં આ પ્રસ્તાવને રાખીને નિર્ણય લેવામાં આવશે. એક રિપોર્ટ પ્રમાણે ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડમાં આવતાં ગુરુવાયુર મંદિરનું લગભગ 700 કિલો સોનું 2019માં બેંકમાં રાખવામાં આવ્યું છે. આ સિવાય પણ મંદિરના લગભગ 1500 કરોડ રૂપિયા બેંકમાં જમા છે. જેના દ્વારા 10 કરોડ રૂપિયા માસિક આવક મંદિરને થાય છે, જેથી મંદિરની વ્યવસ્થા જળવાયેલી રહે છે.