બ્રિટેનની એક કોર્ટનો નિર્ણય વિજય માલ્યાને પકડવા ભારત માટે મદદરૂપ સાબિત થઇ શકે છે. યૂકેની કોર્ટે તિહાડ જેલને સુરક્ષિત ગણાવી છે અને કહ્યું કે, અહીં ભાગેડું ભારતીયો માટે આ જેલ બિલકુલ સુરક્ષિત છે. ક્રિકેટ ફિક્સિંગના આરોપી સંજીવ ચાવલાના કેસમાં આવેલો આ નિર્ણય બેંક કૌભાંડ કરી ભાગેલા વિજય માલ્યાને પકડવા ભારત માટે મહત્વપૂર્ણ બની શકે છે.
લંડન હાઇકોર્ટના જસ્ટિસ લેગાટ અને જસ્ટિસ ડિંગેમેન્સે શુક્રવારે આપેલા પોતાના ચુકાદામાં કહ્યું કે, તિહાડમાં ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક સંજીવ ચાવલા માટે કોઇ ખતરો નથી. સંજીવ ચાવલા પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોની ફિક્સિંગનો આરોપ છે. આ હેંસી ક્રોન્ચે મેચ ફિક્સિંગનો મામલો છે, જેમાં ભારતીય ક્રિકેટરો અજય જાડેજા અને મોહમ્મદ અજહરૂદ્દીન પર આરોપ લાગ્યો હતો.