અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે વિશ્વહિન્દૂ પરિષદે રવિવારે એક ધર્મસભાનું આયોજન કર્યું છે. જ્યારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ શનિવારે અયોધ્યામાં પહોંચી રહ્યા છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિને જોતા સુરક્ષાના કારણોસર અહીં મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. જેથી રામનગરીનો માહોલ ગરમાઇ ગયો છે. અયોધ્યામાં એકવાર ફરી 1992 જેવી પરિસ્થિતિ બનવા જઇ રહી છે. ઇકબાલ અંસારીએ કહ્યું કે, મોટી સંખ્યામાં ભીડ એકઠી થતા હાલ અયોધ્યામાં ભયનો માહોલ બનેલો છે.
ઉદ્ધવ ઠાકરે શિવાજીના જન્મસ્થળની માટી લઇને શનિવારે (24 નવેમ્બર) બપોરે 2 વાગે અયોધ્યા પહોંચી રહ્યા છે. ઉદ્ધવના પહોંચ્યા પહેલા મોટી સંખ્યામાં શિવસેનાના કાર્યકર્તા અયોધ્યામાં ભેગા થશે. વિશ્વ હિન્દૂ પરિષદે પણ પોતાના તમામ લોકોને અયોધ્યા પહોંચવાની અપીલ કરી છે, જ્યાં તેઓ એક મોટા સંમેલન મારફતે તે સરકાર પર સંસદ મારફતે મંદિર બનાવવાનો રસ્તો ખોલવા દબાણ વધારવાની તૈયારીમાં છે.
અયોધ્યામાં માહોલ ખરાબ ન થાય તેના માટે તંત્ર એલર્ટ થઇ ગયું છે. રામનગરીને કિલ્લામાં તબદીલ કરી દેવામાં આવી છે. વિસ્તારમાં પીએમસીની 48 કંપની, આરએફની 9 કંપની, 30 એસપી, 350 ઉપનિરીક્ષક, 175 હેડ કોન્સ્ટેબલ, 1350 કોન્સ્ટેબલ, પરિસ્થિતિ પર નજર રાખવા 2 ડ્રોન વિમાનનો પણ સહારો લેવામાં આવ્યો છે. તંત્રએ વિસ્તારને 7 જોન અને 15 સેક્ટરમાં વહેંચ્યું છે. જ્યારે વિસ્તારના લોકો જરૂરી સામાન ખરીદીને પહેલાથી જ ઘરમાં સ્ટોર કરી દીધો છે. વિસ્તારમાં હાલ ડરનો માહોલ બનેલો છે કે ક્યાંક 1992 જેવી ઘટના ન બને.