મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ, કોંગ્રેસે ગુરુવારે પાર્ટી સંગઠનમાં મોટો ફેરફાર કર્યો. પાર્ટી હાઈકમાન્ડે હર્ષવર્ધન સપકાલને મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા. જોકે, આ નિર્ણયથી કોંગ્રેસના મોટા નેતાઓને પણ આશ્ચર્ય થયું છે.
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ તરીકે હર્ષવર્ધન સપકાલની નિમણૂક રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે. બધાને અપેક્ષા હતી કે પક્ષનું નેતૃત્વ આ જવાબદારી એક આક્રમક અને અનુભવી નેતાને સોંપશે. ખાસ કરીને જ્યારે તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. તેથી, આ નિર્ણય અંગે પાર્ટીમાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.
અહેવાલો અનુસાર, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણની સાથે સતેજ પાટિલ અને વિશ્વજીત કદમ જેવા મોટા નેતાઓ પણ સપકાલને આટલું મહત્વપૂર્ણ પદ આપવાના નિર્ણયથી આશ્ચર્યચકિત છે.
જ્યારે હર્ષવર્ધન સપકાલનું નામ સામે આવ્યું ત્યારે ઘણા નેતાઓએ તેને આઘાતજનક નિર્ણય ગણાવ્યો. પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું, “જ્યારે મને આ પદ સંભાળવાનું કહેવામાં આવ્યું, ત્યારે મને લાગ્યું કે આ જવાબદારી યુવા નેતાઓને સોંપવી જોઈએ. પરંતુ જ્યારે સપકાલનું નામ જાહેર થયું, ત્યારે મને આશ્ચર્ય થયું, કારણ કે તેમનું નામ ચર્ચામાં પણ નહોતું. મેં વિચાર્યું હતું કે કોલ્હાપુરના સતેજ પાટીલને આ પદ મળશે કારણ કે અમે તેમનું નામ હાઇકમાન્ડને સૂચવ્યું હતું. કદાચ પાટીલે આ પદ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
જોકે, કોંગ્રેસના કોલ્હાપુર જિલ્લા પ્રમુખ સતેજ પાટીલે એ વાતનો ઇનકાર કર્યો હતો કે તેઓ પ્રદેશ પ્રમુખ ન બનવાથી નારાજ છે. તેમણે સપકીલની નિમણૂકને યોગ્ય ગણાવી છે. કોંગ્રેસના નેતાએ કહ્યું કે, પાર્ટીએ યોગ્ય નિર્ણય લીધો છે. સપકાલ એક સંગઠનાત્મક વ્યક્તિ છે અને પક્ષને ફરીથી જીવંત કરવાની ક્ષમતા ધરાવે છે. તેઓ એક તટસ્થ વ્યક્તિ છે, જેના કારણે તેઓ પાર્ટીના તમામ નેતાઓ અને કાર્યકરો સાથે વાતચીત કરી શકે છે.
પાર્ટીના નેતા સચિન સાવંતે કહ્યું, “સપકાલ ઘણા સમયથી પાર્ટીમાં છે. તેઓ NSUI ના પ્રમુખ રહી ચૂક્યા છે. પાર્ટી હાઈકમાન્ડે દરેક પાસાને ધ્યાનમાં લીધા પછી જ આ નિર્ણય લીધો હશે.
કોંગ્રેસના પ્રવક્તા અતુલ લોંધેએ પક્ષના નેતૃત્વના નિર્ણયને યોગ્ય ઠેરવતા કહ્યું કે સપકાલ પક્ષના વફાદાર રહ્યા છે અને તેમની પાસે સારી સંગઠનાત્મક કુશળતા છે. તેઓ પક્ષના પંચાયતી રાજ સંગઠનના ઉપપ્રમુખ પણ છે.
સપકાલ નામ પર આટલું આશ્ચર્ય શા માટે?
હર્ષવર્ધન સપકાલ 2014 થી 2019 સુધી મહારાષ્ટ્રના બુલઢાણાથી ધારાસભ્ય રહ્યા છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં તેમણે રાજ્યના રાજકારણમાં બહુ સક્રિયતા દર્શાવી નથી. ઘણા કોંગ્રેસના નેતાઓ માને છે કે જ્યારે વિપક્ષી ગઠબંધન મહા વિકાસ આઘાડી (MVA) સત્તામાં હતું, ત્યારે પણ સપકાલની રાજકીય હાજરી નહિવત હતી, અને જ્યારે MVA સરકાર પડી ત્યારે પણ તેમણે પક્ષને મજબૂત કરવા માટે કોઈ પહેલ કરી ન હતી.
જોકે, હવે તેમણે નાના પટોલેનું સ્થાન લીધું છે, તેથી તેમની સામે કોંગ્રેસનું પુનર્ગઠન કરવાનો પડકાર રહેશે. ઉપરાંત, સપકાલને શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે જેવા વરિષ્ઠ નેતાઓ સાથે સંકલન કરવું પડશે કારણ કે કોંગ્રેસ MVA નો એક ભાગ છે, જેમાં NCP શરદ પવાર જૂથ અને શિવસેના ઉદ્ધવ જૂથનો પણ સમાવેશ થાય છે.
મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ, પદાધિકારીઓ અને કાર્યકરોની નજર હવે હર્ષવર્ધન સપકાલ પાર્ટીનું નેતૃત્વ કેવી રીતે કરે છે તેના પર ટકેલી છે. કોંગ્રેસની અંદર જૂથવાદ અને નારાજગીને કેવી રીતે દૂર કરે છે? તે જોવાનું રહે છે.