એક તરફ ગુજરાતમાં પાટીદારોને અનામત મળે તે માટે છેલ્લા સાડા ત્રણ વર્ષથી આંદોલન ચાલી રહ્યું છે. તો બીજી તરફ મહારાષ્ટ્ર વિધાનસભામાં મરાઠા અનામત બિલ સર્વાનુમતે પસાર થતા મરાઠાઓને અનામત મળવાનો માર્ગ મોકળો થયો છે. ભાજપ-શિવસેનાની ગઠબંધન સરકારે રજૂ કરેલા બિલને કોંગ્રેસ-એનસીપી સહિત તમામ પાર્ટીઓએ સમર્થન આપતા વિધાનસભા અને વિધાનપરિષદ એમ બંને ગૃહોમાં સર્વાનુમતે બિલ પસાર થયું હતું.
ગુજરાતમાં પાસના કન્વીનરો અનામતની માંગ સાથે ફરી ઓબીસી પંચની કચેરીએ પહોંચ્યા હતા. તો આ તરફ રાજપૂત સમાજ પણ અનામતની માગણી સાથે પછાત વર્ગની ઓફિસે પહોંચ્યા હતા. જ્યા રાજપૂત સમાજના આગેવાનોએ રાજપૂત સમાજને અનામત આપવાની રજૂઆત કરી છે.
જો કે પાસના સભ્યોએ ઓબીસી પંચના અધિકારીઓ સાથેની બીજી બેઠક કરી હતી. અને રાજ્યમાં સર્વે કરાવવાની માંગણી ફરી દોહરાવી હતી. જો કે રાજપૂત સમાજે સર્વેની કોઈ વાત કરી નથી. ત્યારે સવર્ણ સમૂદાયો પણ પાટીદાર સમાજ માફક અનામતની માગણી કરી રહ્યા છે. આગામી સમયમાં અન્ય સવર્ણ સમુદાય પણ પોતાની માગણી સાથે ગાંધીનગર પહોંચે તો નવાઈ નહીં.