આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં છેલ્લા છ અઠવાડીયામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ક્રૂડની કિંમત 86.29 ડોલર પ્રતિ બેરલથી ઘટીને 63.3 ડોલર પ્રતિ બેરલ થઇ ગઇ છે.
જેના કારણે ભારતમાં પેટ્રોલ-ડિઝલની કિંમતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ રૂપિયો પણ ડોલરની સામે મજબૂત થઇ રહ્યો છે. 3 ઓક્ટોબરથી 21 નવેમ્બરની વચ્ચે ક્રૂડની કિંમત 36.31 ટકા સુધી 63.3 પ્રતિ બેરલ સુધી ઘટી ગઇ છે.
3 ઓક્ટોબરના રોજ પેટ્રોલની કિંમત 83.85 રૂપિયા પ્રતિ લિટર હતી. જે 21 નવેમ્બરના રોજ 76.30 રૂપિયા પ્રતિ લિટર જોવા મળી હતી. જ્યારે ડિઝલની વાત કરીએ તો 3 ઓક્ટોબરના રોજ તેની કિંમત 75.25 હતી જે 21 નવેમ્બરના રોજ 71.25 રૂપિયા જોવા મળી.
જ્યારે આ સમયગાળા દરમિયાન ડોલરના મુકાબલે રૂપિયો 2.64 ટકા મજબૂત થયો. 21 નવેમ્બરના રોજ એક ડોલરની કિંમત 71.30 રૂપિયા હતી. ક્રૂડ ઓઇલના ઘટાડા પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે. જેમાં સૌથી પહેલા સાઉદી અરબ અને બીજા ઓઇલ નિર્માતા દ્વારા ઉત્પાદન ઘટાડવાની જાહેરાત બાદ પુનઃ પર્યાપ્ત માત્રામાં ઉત્પાદન શરૂ કરી દીધું છે, જેને લઇને વપરાશકર્તાઓની પરેશાની ઓછી થઇ છે.