દિલ્હી હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે કડક વલણ જાહેર કર્કયું છે, જેમાં દેશભરમાં ઓનલાઈન દવાઓના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. એટલું જ નહિં દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને તેમજ દિલ્હીની આપ સરકારને તાત્કાલિક અસરથી અમલ કરવા આદેશ કર્યો છે.
દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ રાજેન્દ્ર મેનન અને જસ્ટિસ વી.કે. રાવની બનેલી ખંડપીઠે દિલ્હીના એક ડર્મિનોલોજીસ્ટ તરફથી દાખલ કરવામાં આવેલા જાહેર હિતની અરજીની સુનાવણી હાથ ધરી હતી તે વખતે આ આદેશ કર્યો છે. આ પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન(PIL)માં ઓનલાઈન દવાઓના વેચાણ વખતે નિયમોનું પાલન કરવામાં આવતું ન હોવાનું દલીલ કરવામાં આવી હતી. જેમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે દરરોજ ઓનલાઇન વેચવામાં આવતી લાખોની સંખ્યામાં દવાઓને કારણે દર્દીઓ અને ડોક્ટર્સ પર જોખમ ઉભું થઈ શકે છે.
પીઆઈએલમાં એવી પણ દલીલ કરવામાં આવી હતી કે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ, 1940 અને ફાર્મસી એક્ટ, 1948માં દવાઓના ઓનલાઇન વેચાણને મંજૂરી આપવામાં આવી નથી. અન્ય વસ્તુઓની સરખામણીમાં દવા ખૂબ અસરકારક હોય છે, તેમજ દુરુપયોગથી મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર અવળી અસર પડી શકે છે.
ઓનલાઇન દવાઓનાં વેચાણને નિયંત્રિત કરવા માટે સરકારે અમુક નિયમો પણ બનાવ્યા છે. આ નિયમ પ્રમાણે દવાઓના ઓનલાઇન વેચાણ માટે ફાર્મસીનું રજિસ્ટ્રેશન કરાવેલું જરૂરી છે.