મુંબઇ,તા. ૧૬ : ડોલર સામે રૂપિયો આજે સતત ચોથા કારોબારી સેશનમાં મંદી સાથે બંધ રહ્યો હતો. અમેરિકી ડોલર સામે રૂપિયો પાંચ મહિનાની નીચી સપાટીએ પહોંચતા લોકો નિરાશ થાય હતા. દેશમાં વેપાર ખાધ ૧૦ મહિનાની ઉંચી સપાટીએ પહોંચી ગઈ છે. એશિયન ચલણમાં ધટાડો જોવા મળી રહ્યો છે. રૂપિયો આજે ડોલર સામે ૬૭.૯૫ની સપાટીએ રહ્યો હતો. ૨૭મી જૂનના દિવસે છેલ્લે આ સપાટી જોવા મળી હતી. આ વર્ષે હજુ સુધી ભારતીય રૂપિયો ડોલર સામે ૨.૫ ટકા સુધી ધટી ગયો છે. સોનાની ઉંચી આયાતના પરિણામ સ્વરુપે એક વર્ષ અગાઉ ૯.૬૯ અબજ ડોલરની સરખામણીમાં ઓક્ટોબર મહિનામાં ભારતની વેપાર ખાધ ૧૦.૧૬ અબજ ડોલર થઇ ગઇ છે. સોનાની આયાત ૧૦૮.૪ ટકા વધીને ૩.૫ અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. જ્યારે નિકાસમાં પણ વધારો થયો છે. જેમ્સ એન્ડ જ્વેલરી, એન્જિનિયરિંગ ચીજવસ્તુઓ, રેડિમેડ ગારમેન્ટ જેવી ચીજવસ્તુઓની નિકાસ વધી જવાના પરિણામ સ્વરુપે નિકાસમાં વધારો થયો છે. જ્યારે આયાતમાં ૭.૧૧ ટકાનો વધારો થયો છે. એફઆઈઆઈ દ્વારા ડેબ્ટમાં ૪૪૧.૪૦ મિલિયન ડોલરનું વેચાણ કરવામાં આવ્યું છે જ્યારે આ વર્ષે હજુ સુધી ઇક્વિટીમાં ૬.૨ અબજ ડોલરની ખરીદી કરી દેવામાં આવી છે. એશિયન ચલણમાં આજે કારોબાર મંદ રહ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પની ગયા સપ્તાહમાં જીત થયા બાદ ડોલર ઇન્ડેક્સમાં અફડાતફડી જોવા મળી રહી છે. અપેક્ષા કરતા પણ અમેરિકી રિટેલના આંકડા વધારે મજબૂત બન્યા છે. બીજી બાજુ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરવાના સંકેત આપી દીધા છે. જાપાની યેનમાં આજે ૦.૪૫ ટકા, સિંગાપોર ડોલરમાં ૦.૩૯ ટકા, ચીનના ચલણમાં ૦.૨૭ ટકા, મલેશિયન ચલણમાં ૦.૨૨ ટકા જેટલો ઉછાળો નોંધાયો હતો. ઇન્ડોનેશિયાના ચલણમાં ૦.૧૮ ટકાનો સુધારો રહ્યો હતો. ડોલર ઇન્ડેક્સ અગાઉના બંધ આંક ૧૦૦.૨૩ની સરખામણીમાં ૦.૨૨ ટકા વધીને ૧૦૦.૪૪ થઇ ગયો છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.