અયોધ્યાના રામ મંદિર નિર્માણને લઈ હવે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ફાઉન્ડર મસૂદ અઝહરે ધમકી આપી છે. અઝહરે બાબરી મસ્જિદને લઈને 9 મિનિટની ઓડિયો ક્લિપ જાહેર કરી છે. આ ઓડિયો ક્લિપમાં અઝહર ધમકી આપી રહ્યો છે કે જો ભારત બાબરી મસ્જિદના સ્થળે રામ મંદિર બનાવશે તો દિલ્હીથી કાબુલ સુધી મુસ્લિમ છોકરાઓ બદલો લેવા તૈયાર છે. તેણે કહ્યું કે, અમે લોકો મોટાપાયે તબાહી ફેલાવવા માટે તૈયાર છીએ.
આ ઓડિયોમાં મસૂદ અઝહરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પણ ઝેર ઓક્યું. તેણે કહ્યું કે, આ બધું મોદી ચૂંટણી માટે કરી રહ્યા છે. અઝહરે દાવો કર્યો છે કે કાબુલ અને જલલાબાદમાં ભારતીય સંસ્થાનોને નિશાન બનાવવામાં આવી હતી. મસૂદે ઓડિયોમાં કહ્યું કે અમારી બાબરી મસ્જિદને પાડી ત્યાં અસ્થાઈ મંદિર બનાવવામાં આવ્યું છે, ત્યાં હિન્દુ લોકો ત્રિશૂલની સાથે એકત્ર થઈ રહ્યા છે. મુસ્લિમ લોકોને ડરાવવામાં આવી રહ્યા છે, ફરી એકવાર અમને બાબરી મસ્જિદ બોલાવી રહ્યું છે.
ઓડિયો ક્લિપમાં મસૂદ અઝહર કહી રહ્યો છે કે અમે બાબરી મસ્જિદ પર નજર રાખી રહ્યા છીએ. તમે સરકારી ખર્ચ કરવા તૈયાર હોવ છો તો અમે જીવ ખર્ચ કરવા તૈયાર છીએ. આ ઉપરાંત ઓડિયોમાં અઝહરે કરતારપુર કોરિડોર વિશે પણ ટિપ્પણી કરી અને પાકિસ્તાની સરકાર દ્વારા ભારતના મંત્રીઓને બોલાવવા પર નારાજગી વ્યક્ત કરી.