નવી દિલ્હી: નોટબંધીના નિર્ણયના ૧૧મા દિવસે આજે દેશમાં છ રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં લોકસભા અને વિધાનસભાની ૧૨ બેઠકની પેટા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. આજે સવારે ૭.૦૦ વાગ્યાથી આ પેટા ચૂંટણીઓ માટે મતદાન શરૂ થઈ ગયું છે અને સાંજે ૫.૦૦ વાગ્યા સુધી મતદાન ચાલશે. આ પેટા ચૂંટણીઓમાં કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપના નોટબંધીના મહત્ત્વના નિર્ણય બાદ સામાન્ય પ્રજા વચ્ચે ભાજપની પ્રથમ અગ્નિકસોટી થવા જઈ રહી છે. આ પેટાચૂંટણી નોટબંધીના નિર્ણય પર જનમત સંગ્રહ તરીકે જોવામાં આવી રહી છે.
આજે યોજાઈ રહેલી પેટા ચૂંટણીમાં મધ્ય પ્રદેશની શાહડોલ લોકસભા બેઠક માટે અને નેપાનગર વિધાનસભા બેઠક માટે ચૂંટણી યોજાઈ રહી છે. જ્યારે આસામમાં લખીમપુર લોકસભા બેઠક અને બૈઠલાંગશો વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી યોજાઈ રહી છે. પુડ્ડુચેરીમાં નલ્લીથોપે વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી યોજાઈ રહી છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં કુંચબિહાર અને તમલુક લોકસભાની બેઠક માટે તેમજ મોટેશ્વર વિધાનસભાની બેઠક માટે આજે પેટાચૂંટણી યોજાઈ રહી છે.
તામિલનાડુમાં તંજાવુર, અર્વાકુરુચી અને તિરુપ્પરાકુંદરમ બેઠક માટે યોજાઈ રહેલી પેટાચૂંટણીમાં શાસક એઆઈએડીએમકે અને ડીએમકે વચ્ચે સીધી ટક્કર છે. ભોપાલમાં શહડોલ લોકસભા અને નેપાનગર વિધાનસભા માટે યોજાઈ રહેલી પેટાચૂંટણીમાં શહડોલમાં ૧૭, નેપાનગરમાં ચાર ઉમેદવારો મેદાનમાં છે. પેટાચૂંટણીના પરિણામો ૨૨ નવેમ્બરે જાહેર કરવામાં આવશે.
કોંગ્રેસના એક નેતાએ જણાવ્યું હતું કે બંને સુરક્ષિત બેઠકો પર ભાજપનો કબજો છે અને તે દૃષ્ટિએ આ પેટાચૂંટણી મહત્ત્વની બની રહેશે. આસામમાં લખીમપુર લોકસભા બેઠક અને બૈઠલાંગશો વિધાનસભા ચૂંટણીમાં આઠ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. બંને બેઠકો પર ૮,૨૧,૯૯૯ મહિલાઓ સહિત ૧૬,૯૧,૩૧૩ મતદારો છે. અગાઉ લખીમપુર બેઠક પર આસામના મુખ્યપ્રધાન સર્વાનંદ સોનોવાલનું પ્રતિનિધિત્વ હતું.
પશ્ચિમ બંગાળમાં લોકસભાની બે અને વિધાનસભાની એક બેઠક માટે પેટાચૂંટણીમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ, ભાજપ, ડાબેરી મોરચો અને કોંગ્રેસે પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. અરુણાચલ પ્રદેશના અંતરિયાળ અંજા જિલ્લાની હાયુલિયાંગ વિધાનસભા બેઠક માટે તેમજ ત્રિપુરાની અનુસૂચિત જાતિ માટે આરક્ષિત બર્જાલા અને ખોવાઈ વિધાનસભાની બેઠકો માટે કડક સુરક્ષા વચ્ચે મતદાન ચાલી રહ્યું છે.