અમદાવાદઃ કોરોનાના કહેર વચ્ચે લોકો ભયમાં જીવી રહ્યા છે. ત્યારે કોરોના સામે લડવા માટે લોકો કોઈના કોઈ પ્રકારે પોતાના શરીરમાં ઈમ્યુનિટી વધારવા માટેના ઘરઘથ્થું નુશ્ખા અપનાવતા હોય છે ત્યારે, કેટલાક ગૌ પ્રેમીઓ ગોમૂત્ર, ગોબર, ગોઘૃત,ગોરસ અને ગોદુગ્ધથી પંચગવ્ય સ્નાન કરી એન્ટીબોડીઝ વધારવાના પ્રયોગો કરી રહ્યા છે. પરંતુ આવા છાણ ગૌમૂત્રથી ઇમ્યુનિટી વધવાને બદલે ફંગલ ઇન્ફેક્શનની ચેતવણી તબીબી નિષ્ણાતો આપી રહ્યા છે. તેઓ મ્યુકરમાઇકોસીસ જેવા ચેપી રોગ થવાની શકયતા જણાવી રહ્યા છે.
કોરોના સામે લડવા માટે એક માત્ર ઉપાય વેકસીન અને નિયમોનું પાલન છે. કોરોના સામે વેકસીન લેવામાં તો લોકોને જાગૃતિ આવી જ છે. પણ સાથે સાથે કુદરતી રીતે કેવી રીતે એન્ટીબોડીઝ વધારી શકાય તેના પણ નુસખા લોકો અપનાવી રહ્યા છે. પણ આવા કારણ વગરના પ્રયોગ લોકોને ભારે પડી શકે છે. ગૌ પ્રેમીઓ ગોમૂત્ર, ગોબર, ગોઘૃત,ગોરસ અને ગોદુગ્ધથી પંચગવ્ય સ્નાન કરે છે. પરંતુ આવા છાણ અને ગૌમૂત્ર ચેપી રોગનું કારણ બની શકે અને લોકોને મોટી મુસીબતોનો સામનો કરવો પડી શકે છે.
‘આ માન્યતા તદ્દન ખોટી ‘
આ અંગે જાણીતા ફિજીશિયન અને અમદાવાદ મેડિકલ એસોસિએશનના મેમ્બર ડો. વસંત પટેલ જણાવી રહ્યા છે કે, સોશિયલ મીડિયામાં ગાયના ગોબર અને ગૌમૂત્રના સ્નાનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે તેવા વીડિયો પણ સત્યતાથી દૂર છે. ગાયના છાણના લેપ કરવાથી, ગૌમૂત્રથી સ્નાન કરવાથી કોરોના જતો રહેશે તેવી લોકોમાં ગેરમાન્યતા છે. આ માન્યતા તદ્દન ખોટી છે. ઉલટાનું આવુ કરીને, તમે ચેપી રોગને નિમંત્રણ આપી રહ્યા છો.
જવલ્લે જ જોવા મળતો મ્યુકરમાઈકોસીસ ફુગથી થતો ગંભીર રોગ છે. મ્યુકરમાઈકોસિસ ફૂગ જીવસૃષ્ટિમાં બધે જ જોવા મળે છે ખાસ કરીને માટીમાં વધુ જોવા મળે છે. મ્યુકર માઈકોસિસ ફૂગ માનવ શરીરમાં શ્વાસ કે ત્વચા પરના ઘા થકી પ્રવેશે છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવી વ્યક્તિમાં પ્રવેશેલી મ્યુકર માઇકોસિસની ફૂગ શરીર પર હાવી થઈ જાય છે અને પ્રસરવા લાગે છે.સારવારમાં તાત્કાલિક ધોરણે નાક અને સાયનસનું દૂરબિન વડે ઓપરેશન કરી debridement કરી ફંગસ દૂર કરવામાં આવે છે અને ત્યારબાદ બાયોપ્સી તપાસ કરવામાં આવે છે.
જે દર્દીઓને કોરોના થયો હોય અને તેને ડાયાબિટીસ હોય અને જેની રોગપ્રતિકારક શક્તિ ખુબજ ઓછી છે. હાઇ રિસ્ક ગ્રુપના વ્યક્તિ જેવા કે અનકંટ્રોલડ ડાયાબિટીઝ, કેન્સર , ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, ડ્રગનું સેવન કરનાર, લાંબા સમયથી સ્ટિરોઇડ આપવામાં આવતું હોય, ભેજવાળો ઓક્સિજન લઇ રહ્યા હોય, કુપોષિત, અવિકસીત નવજાત બાળક, સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય, ત્વચા પરની કોઈ સર્જરી- ઘા કે દાઝેલી ત્વચા વાળી વ્યક્તિને મ્યુકરમાઈકોસીસ રોગ થવાની સંભાવના વધુ છે.