હેલ્થ ડેસ્કઃ સ્વસ્થ જીવન જીવવા માટે દરેક અંગ સ્વસ્થ હોવા ખૂબ જ જરૂરી છે. હ્રદયથી લઈને લિવર સુધી અને મસ્તિષ્કથી લઈને ફેંફસા સુધી દરેક અંગ સ્વસ્થ રીતે કાર્યરત હોવા જરૂરી છે. દેશમાં કોરોનાની પરિસ્થિતિ જોઈને લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. કોરોના ફેફસા પર અસર કરે છે, તેથી ફેંફસા મજબૂત હોવા જરૂરી છે, જેથી કોઈપણ પ્રકારના સંક્રમણથી બચી શકાય. શરીરની દરેક એક્ટિવિટી ઓક્સિજન પર નિર્ભર છે અને ફેંફસા શરીરને ઓક્સિજન આપવાનું કામ કરે છે. ફેંફસાને સ્વસ્થ રાખવા માટે એક્સરસાઈઝ કરવી ખૂબ જરૂરી છે.
એક્સરસાઈઝ કરવાથી ફેંફસા વાયુપ્રવાહ અને ઓક્સિજનના સ્તરને મેનેજ કરવા માટે વધુ યોગ્ય રીતે કાર્ય કરે છે. અહીંયા ફેંફસાને મજબૂત કરવાની એક્સરસાઈઝ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.
એરોબિક્સ: એરોબિક્સ લયબદ્ધ રીતે માંસપેશીઓને ટાર્ગેટ કરીને ફેંફસાની કાર્યક્ષમતા વધારે છે. એરોબિક્સ કરવાથી હ્રદય અને ફેંફસા મજબૂત બને છે તથા શરીરને ધૈર્ય રાખતા પણ શીખવે છે. એરોબિક્સ કરવાથી શરીર કુશળતાપૂર્વક ઓક્સિજનનો ઉપયોગ કરી શકે છે. નિયમિત લાંબા બ્રિસ્ક વોક માટે જવું જોઈએ. સ્થિર બાઈકિંગ એક અન્ય પ્રકારની એરોબિક એક્સરસાઈઝ છે જે ફેંફસાની ક્ષમતા સુધારવામાં મદદ કરે છે.
કોરોનાના કહેર વચ્ચે રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુષ મંત્રાલયનાં આ ઉપાયો અજમાવો
ફેંફસાને મજબૂત કરતી એક્સરસાઈઝ:માંસપેશીઓમાં ખેંચાણ ઉત્પન્ન કરતી એક્સરસાઈઝ વિશેષરૂપથી તમારા ફેંફસા અને શરીર માટે લાભદાયી છે. આ એક્સરસાઈઝ તમારી માંસપેશીઓને મજબૂત કરે છે અને શ્વાસ લેવામાં મદદ કરે છે તથા ફેંફસાની કાર્યક્ષમતામાં સુધાર કરે છે.
હસવુ અને ગાવુ: પેટની માંસપેશીઓ પર કામ કરતી કોઈપણ એક્ટિવિટી ફેંફસા પર પણ કામ કરે છે. હસવાથી અને ગાવાથી ફેંફસા મજબૂત રહે છે. હસવાથી ફેંફસાની કાર્યક્ષમતા વધે છે, અને તાજી હવા ફેંફસામાં પ્રવેશ કરે છે. ગીત ગાવાથી ડાયાફ્રામની માંસપેશીઓ કામ કરે છે અને ફેંફસા યોગ્ય રીતે કામ કરે છે.