Diabetes: પાતળા લોકો પણ બની શકે છે ટાઇપ-2 ડાયાબિટીસના શિકાર
Diabetes: સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ટાઈપ-2 ડાયાબિટીસ મેદસ્વી લોકોને જ થાય છે, પરંતુ તાજેતરમાં અમદાવાદમાં કરવામાં આવેલા એક અભ્યાસે આ માન્યતાને તોડી પાડી છે. આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે પાતળા લોકો પણ આ રોગનો શિકાર બની શકે છે, ખાસ કરીને જો તેઓના શરીરમાં વધારાની ચરબી હોય, જેને નોર્મલ વેઇટ ઓબેસિટી (NWO) કહેવાય છે.
આ અભ્યાસ અમદાવાદની એમપી શાહ સરકારી મેડિકલ કોલેજમાં કરવામાં આવ્યો હતો, જ્યાં 432 લોકો પર સંશોધન કરવામાં આવ્યું હતું. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે NWO લક્ષણો ધરાવતા 33% લોકોમાં સામાન્ય બોડી માસ ઇન્ડેક્સ (BMI) હતો પરંતુ શરીરની ચરબીની ટકાવારી ઊંચી હતી. આ લોકોમાં હાઈ બ્લડ પ્રેશર, બ્લડ સુગર અને કાર્ડિયોમેટાબોલિક રિસ્ક પણ વધુ જોવા મળ્યું હતું. NWO માં પુરૂષો માટે 25% થી વધુ અને સ્ત્રીઓ માટે 32% થી વધુ શરીરની ચરબી હોવાનું જણાયું હતું, જે સ્થૂળતા, એક ગંભીર આરોગ્ય સ્થિતિ છે.
સંશોધન દરમિયાન, એવું પણ જોવામાં આવ્યું હતું કે ઓછા વજનવાળા વ્યક્તિઓમાં પણ, શરીરની ચરબીની ટકાવારી સામાન્ય કરતાં વધુ હતી, જે પરંપરાગત સ્થૂળતાથી અલગ સમસ્યા છે. આ દર્શાવે છે કે શરીરની ચરબીની ટકાવારી પર ધ્યાન ન આપવાથી અન્ય ગંભીર બીમારીઓ થઈ શકે છે.
નિષ્ણાતો માને છે કે BMI ને સ્વાસ્થ્યનું મુખ્ય માપદંડ માનવું યોગ્ય નથી. શરીરમાં ચરબીનું યોગ્ય પ્રમાણ સમજવું અને તેના પર ધ્યાન આપવું પણ એટલું જ જરૂરી છે. NWO જેવી પરિસ્થિતિને ટાળવા માટે, તંદુરસ્ત જીવનશૈલી, નિયમિત શારીરિક તપાસ અને બ્લડ સુગર અને બ્લડ પ્રેશરનું નિરીક્ષણ કરવું જરૂરી છે.