ચાણસ્મા તાલુકાના લણવા ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે જેનો લાભ લણવા સહિત આજુબાજુના દસ ગામોને મળે છે. આરોગ્ય કેન્દ્રમાં લોકોના રોગોની વિવિધ પરીક્ષણો માટેની લેબોરેટરી ફિઝિયોથેરાપી સાધનો દર્દીને દાખલ કરવા માટેની સુવિધાઓ સાથેનું આરોગ્ય કેન્દ્ર બનાવાયું છે પણ ચાવીરૂપ તબીબોની ઘટ હોવાથી લોકોને પરેશાની થઈ રહી છે. હાલમાં લણવા આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય અધિક્ષક વર્ગ એક ની જગ્યા ઘણા લાંબા સમયથી ખાલી પડી છે મેડિકલ ઓફિસર વર્ગ-2માં ચાર ડોક્ટરની નિમણૂક કરાઇ છે જે પૈકી બે મેડિકલ ઓફિસર બોન્ડ આધારિત અને એક કરાર આધારિત છે.
ચાણસ્મા તાલુકાના લણવા આરોગ્ય કેન્દ્રમાં બાળ નિષ્ણાત સેવાઓ મળી રહે ઓપીડીમાં સમયસર અને સારી સેવા મળી રહે તેવી આશાઓ લોકો સેવી રહ્યા હતા પરંતુ કર્મચારીઓની ઘટ ના કારણે અને હાલમાં જે ડોક્ટરો છે તે વારાફરતી સેવાઓ આપે છે જેના કારણે પૂરતો સમય ફાળવી શકતા નથી. જેના કારણે લોકોને પૂરતી આરોગ્ય સેવાઓ મળી શકતી નથી.
વર્ગ ત્રણની નર્સની સાત જગ્યાઓ છે જે પૈકી એક નર્સ લાંબા સમયથી રજા ઉપર છે અને એક નર્સ મેટરનીટી મેડિકલ રજા ઉપર છે જેના કારણે હાલમાં તો પાંચ નર્સ પર આખી હોસ્પિટલનું આરોગ્ય લક્ષી કામ ચલાવાય છે જ્યારે ફાર્માસિસ્ટની જગ્યા ઘણા લાંબા સમયથી ખાલી છે. લણવા આરોગ્ય કેન્દ્રમાં અધિક્ષક વર્ગ એક અને પૂરતા ડોક્ટર સહિત કર્મચારીઓ મુકવા લોક માંગ ઉઠી છે.