ગુજરાતમાં છેલ્લા બે દિવસથી લોકો આગ ઝરતી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. રાજ્યના લગભગ તમામ શહેરોમાં કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઈ ચૂકી છે. ગરમીના કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર થઈ રહી છે. ત્યારે કાળઝાળ ગરમીમાં લોકો ડિહાઈડ્રેશન, સન સ્ટ્રોકનો શિકાર ન બને તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા નાગરિકો માટે ખાસ સુવિધાઓ શરૂ કરવામાં આવી છે.
એએમસી પત્રિકાનું વિતરણ પણ કરશે
મળતી માહિતી મુજબ, એએમસી દ્વારા શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટર પર ORS કોર્નર ઊભા કરવામાં આવ્યા છે, જ્યાંથી નાગરિકો નિ:શુલ્ક ORS પાઉચ લઈ શકશે. ઉપરાંત, કોર્પોરેશન દ્વારા ગરમીથી બચવા માટે શું કરવું જોઈએ? તે માટેની પત્રિકાઓ પણ પ્રકાશિત કરવામાં આવી રહી છે. એએમસીના અર્બન હેલ્થ સેન્ટર પર આવતા લોકોને આ પત્રિકાનું વિતરણ કરવામાં આવશે. તેમ જ આશા વર્કર બહેનો દ્વારા પણ આ પત્રિકા લોકો સુધી પહોંચાડવામાં આવશે. ઉનાળાની ઋતુ દરમિયાન બપોરના સમયે તેમ જ વધુ ગરમી હોય ત્યારે લોકોને કામ વગર બહાર ન જવા સલાહ આપવામાં આવી છે.