શું ભાજપ આપ પાર્ટીના ડરથી વહેલી ચુંટણી લાવશે?
રાજ્યમાં હાલની સરકારનો કાર્યકાળ આગામી ડિસેમ્બર મહિનામાં પૂરો થાય છે અને ત્યારબાદ ચુંટણી યોજાય, પણ જે રીતે છેલ્લા એક મહિનાથી રાજ્યમાં નેતાઓની ગતિવિધિઓ વધી છે તે જોતાં જાણકારો અવઢવમાં છે
જો કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ કહે છે કે ચૂંટણી સમયસર જ યોજાશે.
બે દિવસ પહેલા ગુજરાતના પ્રવાસે આવેલા ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાને પણ આ પ્રશ્ન પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, ચૂંટણીનું કામ ચૂંટણીપંચનું છે, આ વાતો પરથી વહેલી ચુંટણીની વાત એક અફવામાત્ર હોવાનું લાગે.
પણ ગઈકાલે અરવિંદ કેજરીવાલે કરેલા દાવાથી ફરી એક વખત રાજકીય વર્તુળોમાં ચર્ચા ઉઠી છે.
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ સુરત અને ભરૂચના પ્રવાસે છે, તેમણે આવતાની સાથે જ ભાજપ અને કોંગ્રેસ પર પ્રહારો શરૂ કરી દીધા છે, તેમણે કહ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અત્યાર સુધી ફ્રેન્ડલી મેચો રમાતી હતી, પરંતુ હવે AAP આવવાથી તેઓ વહેલી ચૂંટણી કરાવવાના મૂડમાં છે.
ભાજપની વાત કરીએ તો રાજ્યમાં ભાજપ દ્વારા છેલ્લા કેટલાય સમયથી ચુંટણીને લઈને તૈયારીઓ શરૂ છે, દરેક જિલ્લાઓમાં કોઈને કોઈ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે, હાલના ધારાસભ્યો, સંભવિત ઉમેદવારો સહિતના નાનામાં નાના કાર્યકરો અત્યારથી જ ચુંટણી મોડમાં જોવા મળી રહ્યાં છે.
ઉપરાંત મોટા નેતાઓની વાત કરીએ છેલ્લા બે મહિનાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રીઓ સહિતના અનેક નેતાઓએ ગુજરાત ભણી દોટ મૂકી છે.
એક વાત અહી ખૂબ મહત્વની છે કે હાલની શરૂ વિધાનસભામાં હજી ચોમાસુ સત્ર બાકી છે તેમ છતાં અત્યારથી જ ધારાસભ્યો સહિતનાઓનું ફોટો સેશન કરી નાખવામાં આવ્યું છે, આ વાત સૂચક છે કે શું ચોમાસુ સત્ર થશે જ નઈ, અને ન ત્યારે જ થાય જ્યારે વિધાનસભા વહેલી ભંગ કરવામાં આવે.
વહેલી ચુંટણી યોજાય તેનાથી રાજકીય પાર્ટીઓના ગણિતની વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને પંજાબમાં ચુંટણી જીત્યા પછી ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓનું મનોબળ ખૂબ ઊંચું છે, ઉપરાંત આપ દ્વારા ગુજરાતમાં અમુક પાયાના મુદ્દાઓ ઉઠાવીને ભાજપને મૂંગી કરવામાં સફળ રહી છે.
ઉપરાંત આમ આદમી પાર્ટી આવા જ મોડમાં રહીને રાજ્યની એક પાર્ટી BTP સાથે ગઠબંધન કરી ચૂકી છે, અને બંને સાથે મળીને ચુંટણી લડવાના છે, તો બીજી તરફ રાજ્યમાં અનેક નાના મોટા નેતાઓ, આગેવાનો આપ પાર્ટી સાથે દિવસેને દિવસે જોડાઈ રહ્યા છે.
હવે જો આમ આદમી પાર્ટી આ જ રીતે કામ કરતું રહે અને આવી જ ગતિથી કામ કરવા માટે હજુ તેમને છ મહિનાનો સમય મળશે તો એટલું તો ચોક્કસ છે કે ચૂંટણી સમય સુધીમાં આમ આદમી પાર્ટી અત્યાર કરતા અનેક ગણી વધારે મજબૂત થઈને લડત આપશે, અને આ જ વાત સત્તાધારી ભાજપ કોઈ પણ રીતે ચલાવી શકે તેમ નથી.
આ પ્રકારના દેખીતા કારણોને લઈને અરવિંદ કેજરીવાલ ભાજપને ટોણો મારવાનું ચૂક્યા નથી, તેમણે ગુજરાતમાં આવતા પહેલા ગઈકાલે ટ્વીટ કરીને એક આશંકા પણ જાહેર કરી હતી, તેમને લખ્યું હતું કે, ભાજપ આવતા અઠવાડિયાએ વિધાનસભા વિસર્જન કરીને ચૂંટણીનું એલાન કરી શકે છે. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કહ્યું હતું કે AAPનો આટલો બધો ડર?
આમ આદમી પાર્ટી આ વખતે એવું જ દેખાવા માંગે છે કે તેઓ સીધી ભાજપને ટક્કર આપી રહ્યાં છે, જેના માટે તેઓ મહેનત પણ કરી રહ્યા છે, જ્યારે બીજી બાજુ ભાજપ કેટલાય સમયથી ચુંટણી તૈયારીઓ કરી ચૂકી હોય તેવું દેખાય છે.
આ તમામ સંજોગો, પરિબળો, અફવાઓ કે અટકળો વચ્ચે ચુંટણી સમય અતિ રોમાંચિત રહેશે તે ચોક્કસ છે.