C R Patil: ગઈકાલે સંસદમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને જળ સંસાધન પ્રધાન ચંદ્રકાંત પાટીલે ગુજરાત માટે જૂઠનો સહારો લઈને દેશને ગેરમાર્ગે દોર્યા છે. તેઓ પ્રધાન બન્યા પછી પહેલી વખત સંસદમાં બોલવા ઉભા થયા હતા ત્યારે તેમને સંસદસભ્યોએ પ્રશ્નો પૂછ્યા હતા. જેમાં જયા અમિતાભ બચ્ચને તો પાટીલની લેફ રાઈટ લઈ લીધી હતી. ગુજરાત સરકાર વાસ્તવિક સિંચાઇના આંકડા જાહેર કરવાના બદલે ઉપગ્રહ દ્વારા લેવાયેલી તસવીરોના આધારે સિંચાઇના આંકડા જાહેર કરી ચૂકી છે.
C R Patil એવું કહ્યું કે નર્મદા બંધની નહેરોમાંથી ગુજરાતના તમામ ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહ્યું છે. નર્મદાના પાણીના કારણે ખેડૂતો 3 પાક લઈ રહ્યા છે. ગુજરાતના દરેક ગામોને પીવાનું પાણી મળે છે.
તેમણે જે કહ્યું કે સંપૂર્ણ સત્ય નથી. તેઓ જૂઠ બોલ્યા છે.
કઈ રીતે જૂઠ બોલ્યા છે તે સમજવા માટે સરકારના આ આંકડા, અહેવાલો પુરતાં છે. જેના આધારે અનુમાન કરેલા છે કે પાટીલ કેવું જૂઠ બોલી શકે છે.
નર્મદા નહેર દ્વારા 18 લાખ હેક્ટર સિંચાઈ થવાની હતી. પણ ત્રણ ઋતુમાં સિંચાઈ થતી નથી. કારણ કે, નર્મદાની નહેર બનાવવાના અઢી લાખ કિલોમીટરના કામ જૂન 2024માં બાકી હતા.
2022માં પુરા રાજ્યમાં કુવા, બોર, તળાવ, બંધના પાણીથી સિંચાઈ કરીને ઉનાળું કૃષિ પાકનું વાવેતર 11.25 લાખ હેક્ટરમાં થયું હતું. નર્મદાની નહેર નિકળે છે તે જિલ્લામાં બધું મળીને 4.12 લાખ હેક્ટરમાં વાવેતર હતું. જેમાં નર્મદા નહેર, બીજા બંધ, કુવો કે બોર આધારિત સિંચાઈ તેમાં આવી જાય છે.
રાજ્યમાં 50 ટકા ભૂગર્ભ આધારિત સિંચાઈ થાય છે. તે ગણતાં 2.06 લાખ હેક્ટર બાકી રહે છે. જેમાં બીજા બંધોની સિંચાઈ ગણવામાં આવે તો 1.50 લાખ હેક્ટર સિંચાઈ બાકી રહે છે.
તેનો સીધો મતલબ કે, ઉનાળામાં 1 લાખ હેક્ટરથી વધારે સિંચાઈ નર્મદા નહેરના આધારે થતી નથી.
ખરેખર તો નર્મદા નદી પરના તમામ બંધ ભરાઈ ગયા હોય તો ઉનાળામાં 18 લાખ હેક્ટરમાં સિંચાઈ થવી જોઈતી હતી. તેના બદલે 1 લાખ હેક્ટર માંડ સિંચાઈ થતી હોવાનું અનુમાન મૂકી શકાય તેમ છે.
વળી, જો નર્મદા બંધ સિંચાઈમાં સફળ હોય તો સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા સિંચાઈ અંગે વાસ્તવિક અહેવાલ જાહેર કર્યા હોત. તે જાહેર કરવામાં આવતો નથી.
ઉનાળામાં સિંચાઇ થાય તે જ સાચી સિંચાઇ છે. જેમાં નર્મદા બંધ સફળ નથી. બંધ સિંચાઇ માટે બનાવાયો છે પણ સિંચાઇ થાય એ માટે સરકાર ઠાગાઠૈયા કરે છે.
પીવાના પાણી, તળાવમાં પાણી નાંખી બગાડ કરવા, નદીઓમાં પાણી નાખવા અને ઉદ્યોગોને પાણી આપવામાં જ નર્મદા બંધ સફળ છે.
આમ પાટીલે સંસદમાં કહ્યું કે નર્મદાથી 3 પાક લેવામાં આવે છે તે સદંતર ખોટું છે.
શિયાળામાં સિંચાઈ
રવિ- શિયાળામાં 47થી 50 લાખ હેક્ટરમાં વાવેતર થયા હતા. જેમાં નર્મદા આધારિત સિંચાઈ કેટલી તે અંગે સરકારે કોઈ આંકડા જાહેર કર્યા નથી. પણ તે 4 લાખ હેક્ટરથી વધારે નથી એવું નિષ્ણાતો માની રહ્યાં છે.
આમ ખરેખર તો શિયાળામાં નર્મદા નહેરથી 18 લાખ હેક્ટરમાં સિંચાઈ થવી જોઈતી હતી. તે થતી નથી. 20 ટકા માંડ થતી હોવાનો અંદાજ છે.
સરકાર તો નર્મદાથી 11થી 15 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ થતી હોવાનો દાવો કરે છે.
નર્મદા સિવાયના બંધોની સિંચાઇ ક્ષમતા છે તેનાથી અડધી સિંચાઈ થતી નથી. તો નર્મદાથી 100 ટકા 3 પાકમાં સિંચાઈ થઈ રહી હોવાનો દાવો યોગ્ય નથી.
ચોમાસામાં વરસાદ હોવાથી નહેરથી સિંચાઈની બહુ ઓછી જરૂર પડતી હોય છે.
તો પાટીલે ગુજરાતની જનતાને જિલ્લા અને ગામડાઓના નામો જાહેર કરીને ત્યા ત્રણેય ઋતુમાં કેટલા હેક્ટરમાં નર્મદાથી સિંચાઈ થઈ રહી છે તે વિગતો તુરંત જાહેર કરવી જોઈએ.
આમ ગુજરાત ભાજપની 6 સરકારની 30 વર્ષથી નિષ્ફળતા છુપાવવા પાટીલ સંસદમાં જુઠ્ઠું બોલ્યા છે.
2022-23માં ગુજરાતમાં તમામ બંધોની નહેરો દ્વારા સિંચાઈ 18 લાખ 90 હજાર હેક્ટરમાં થતી હતી.
જે ખરેખર સિંચાઇ ક્ષમતા 31 લાખ હેક્ટરની હતી.
એક લાખ કરોડના મૂડીરોકાણ પછી નર્મદા નહેર સામે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. 18.55 લાખ હેક્ટરમાં સિંચાઇ થઈ શકે એટલું પુષ્કળ પાણી હોવા છતાં, ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં આવતું નથી. બંધનું પાણી નદીમાં વહી જાય છે. નહેરોનું પાણી 40 જેવી નદીઓમાં છોડી દેવામાં આવે છે. દર વર્ષે કચ્છના મીઠાના રણમાં નહેરનું પાણી છોડી દેવામાં આવે છે. તળાવો ભરવામાં પાણી છોડી દેવામાં આવે છે. સાબરમતી રીવરફ્રંટને સારો બતાવવા માટે નર્મદાનું ગેરકાયદે પાણી છોડી દેવામાં આવે છે. પણ સિંચાઇ માટે તો ઓછું પાણી મળે છે.
2019માં ગુજરાતમાં 42.68 લાખ હેક્ટરમાં કૂવો, બોર, તળાવ, નદી, નાના બંધ અને મોટા બંધથી સિંચાઈ કરીને ખેતી કરવામાં આવે છે. પાણી હોય તો વર્ષમાં ત્રણ વખત ખેતરમાં પાક લઈ શકાય છે. મોટા ભાગે ખેડૂતો હવે સિંચાઈ વિસ્તારમાં એક વખત પાક લઈ રહ્યાં છે. પણ ત્રીજો પાક કો એક પણ ખેડૂત લેતા નથી. બદલાયેલા આ વલણથી ગુજરાતની ખેતીની ઉત્પાદકતા ઘટી રહી છે. મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે.
42.68 લાખ હેક્ટર સિંચાઈ વિસ્તારમાંથી 31 લાખ હેક્ટરમાં એક વખત પાક લેવામાં આવી રહ્યો છે. 11 લાખ હેક્ટરમાં સિંચાઈની સુવિધા હોવા છતાં ખેડૂતો પાક લેવાનું ટાળે છે. તેની પાછળનું કારણ એવું બતાવવામાં આવે છે કે, દિવસે વીજળી ન આવતી હોવાથી, ખેતીની અનિશ્ચિતતા, ઊંચું ખર્ચ, મજૂરોની તંગી અને ઊંચી મજૂરી ઉપરાંત કૃષિ ઉપજના વાજબી ભાવ મળવાની અનિશ્ચિતતા માનવામાં આવી રહી છે.
બે વખત સિંચાઇ
બે વખત સિંચાઈ કરવામાં આવતી હોય એવા 9.30 લાખ હેક્ટર છે. જે લગભગ 9 ટકા જ વિસ્તાર થાય છે. તેનો મતલબ કે બંધોનું પાણી ખેતર સુધી પહોંચવાના દાવા સરકાર કરે છે તે ખરેખર સાચા નથી. નર્મદાનું પાણી ખેતર સુધી પહોંચતું નથી. જો તે પહોંચતું હોત તો 30 લાખ હેક્ટરમાં નહેર આધારિત સિંચાઈ થઈ શકતી હોત.
નાના ખેડૂતોને સિંચાઈ ઓછી
છેલ્લાં 20 વર્ષમાં જમીનોના ભાવ વધવાના કારણે જમીનની માલિકી હક્ક મોટા પ્રમાણમાં બદલાયા છે. શ્રીમંત ખેડૂતો નહેરની નજીક જમીન લઈ લીધી છે અથવા તો શહેરી વિસ્તારોની નજીક ખેતીની જમીન લીધી છે. કારણ કે 1 હેક્ટરથી નીચે જમીન વધુ છે પણ સિંચાઈની સુવિધા તો માત્ર 4.62 લાખ હેક્ટરમાં છે. તેમાંએ એક વખત પાક લેવાતો હોય એવી સિંચાઈની જમીન 3.64 લાખ હેક્ટર છે. બે પાક લેવાતા હોય એવી જમીન ઓછી છે. આમ નાના ખેડૂતોને તો સિંચાઈના લાભ મળતા ન હોવાથી ગરીબીમાં વધારો થાય છે અને તેથી રોજગારી માટે ખેડૂતોએ હિજરત કરવી પડે છે અને જમીન વેચી દેવી પડે છે.
1થી 2 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોની પણ લગભગ આવી જ હાલત છે. 9.41 હેક્ટરમાં સિંચાઈ મધ્ય કદના ખેડૂતો કરે છે. પણ તેઓ બે વખત પાક લેતા હોય એવો વિસ્તાર 50 હજાર હેક્ટર જ છે. મોટા ભાગની જમીન પર એક વખત પાક લેવાય છે. તે પણ ચોમાસું ઋતુ પુરતો લેવાતો હોઈ શકે છે. ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી આવેલી અસમાનતા પાછળ કઈ નીતિ જવાબદાર તેનો જવાબ કૃષિ વિભાગના અધિકારી આપે છે કે, નાના ખેડૂતો સિંચાઈ વિસ્તારમાં ઓછા રહ્યા છે. ગમે તેમ પણ સરકારની બંધ વિરોધી અને ખેડૂતો વિરોધી નીતિના કારણે નાના ખેડૂતો ગરીબ બની રહ્યા છે.
2 હેક્ટરથી વધુ જમીન ધરાવતા હોય એવા ખેડૂતો સારી રીતે સિંચાઈ કરે છે. બે વખત સિંચાઈ કરવાનું પ્રમાણ પણ વધું છે અને તેમની પાસે જમીન પણ વધું છે. 25 લાખ હેક્ટર જમીન મોટા ખેડૂતો પાસે એવી છે જ્યાં સિંચાઈની એક કે વધું વખત સુવિધા છે.
19 ફેબ્રુઆરી 2020માં સરકારે શું કહ્યું
2020ની રવિ ઋતુમાં 10.81 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ થઈ હતી. જાન્યુઆરી- 2020માં સેટેલાઇટ દ્વારા લેવાયેલી તસવીરોમાં આ માહિતી બહાર આવી છે. જે ગત વર્ષે જાન્યુઆરી 2019માં 9.34 લાખ હેક્ટરમાં હતું. એક જ વર્ષમાં 1.47 લાખ હેક્ટરનો વધારો થયો હોવાનો દાવો સરકાર ઉપગ્રહના આધારે કરે છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, 17 જિલ્લાના 73 તાલુકાના 10.81 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધાનો લાભ પૂરો પડાયો છે.
જેમાં પાટણ જિલ્લામાં 32,857 હેક્ટર, કચ્છ જિલ્લામાં 28403 હેક્ટર અને બનાસકાંઠા જિલ્લામાં 15143 હેક્ટરનો વધારો નોંધાયો છે. આમ સરકાર પોતે નર્મદા નિગમના સિંચાઇ રહી હોવાની હકીકતો જાહેર કરવાના બદલે ઉપગ્રહની વાસ્તવિક સ્થિતિ માની લઈને સિંચાઈની ભ્રમજાળ બતાવી રહી છે. ખરેખર તો 5 લાખ હેક્ટરથી વધું સિંચાઇ નર્મદા નહેરથી થતી નથી.
2001 પછી ગુજરાતમાં એક પણ નવો સિંચાઈ બંધ બન્યો નથી.
નર્મદા યોજના છતાં, ગુજરાતમાં કુવાની સિંચાઈ 10 વર્ષમાં 100 ટકા વધી