ગુજરાતમાં શ્રમિકો અને મજૂર વર્ગ કાલે અને આજે પણ ફંડ વિહોણાં છે. કોરોના સંક્રમણના કારણે શ્રમિકોની દશા બગડી છે. રાજ્યમાંથી એક અંદાજ પ્રમાણે પાંચ લાખ મજૂરોએ સ્થળાંતર કર્યું છે. લોકડાઉનની સ્થિતિમાં નોકરી ગુમાવતાં અને રોજીરોટીની રઝળપાટ વચ્ચે અસ્તિત્વનો સવાલ ઉભો થતાં પરપ્રાંતના મજૂરો તેમના વતનમાં હજી આજે પણ જઇ રહ્યાં છે. હકીકતમાં ગુજરાતના શ્રમયોગીઓ રામભરોસે છે. વિવિધ ફેક્ટરીઓ અને રિયલ એસ્ટેટમાં કામ કરતા શ્રમિકો માટે સરકાર તેનું નિયત બજેટ પણ વાપરી શકતી નથી.
એટલું નહીં, કારખાનાઓમાં અકસ્માતો અટકાવવા માટે કડક પગલાં ભરવામાં આવતા નથી. મોટાભાગના ઉદ્યોગકારો શ્રમ કાયદામાં રહેલી ક્ષતિના કારણે છટકી જાય છે અને મજૂર પરિવાર પર આફત આવી પડે છે. રાજ્યમાં અકસ્માતો અટકાવવા માટે 2017-18માં સરકારે 3.97 કરોડ રૂપિયાની જોગવાઇ કરી હતી પરંતુ વર્ષના અંતે 2.86 કરોડ રૂપિયાનું ખર્ચ થયું છે. 2018-19માં સરકારે 4.61 કરોડની જોગવાઇ સામે 12.64 કરોડની ફાળવણી કરી હતી. સરકાર ફંડમાં વધારો કરે છે પરંતુ પુરતું ફંડ વાપરતી નથી.
2019-20ના બજેટમાં રકમ વધારીને 24.82 કરોડ કરી છે જે પૈકી શ્રમયોગીઓની તંદુરસ્તી અને સુરક્ષા માટે 15 કરોડ ખર્ચ કરવામાં આવશે. બીજી તરફ રાજ્યમાં 2018ના વર્ષમાં કારખાના અને ફેક્ટરીઓમાં 263 પ્રાણધાતક અને 1036 બિન પ્રાણધાતક અકસ્માતો નોંધાયા છે. એટલે કે રાજ્યમાં સરેરાશ પ્રતિદિન 3.56 જેટલા અકસ્માતો થાય છે છતાં મજૂરોની સેફ્ટિ અંગે વિચારવામાં આવતું નથી.
ગુજરાતની ફેક્ટરીઓ અને સાઇટ સ્થળે વર્ષે એવરેજ 2000 થી 2500 જેટલા અકસ્માતો થાય છે જેમાં પ્રાણઘાતક અકસ્માતો પણ હોય છે. એક પરિવારનો મોભી મૃત્યુ પામે તો તેના પરિવાર પર આફત આવી પડે છે અને તેને સરકારી ફંડ કે કોઇ આર્થિક સહાય મળતી નથી. રાજયમાં ઔદ્યોગિક વિકાસ ઝડપથી થઇ રહ્યો છે, ત્યારે દરેક કારખાનામાં કામ કરતા કામદારોની સલામતી અને કારખાનાઓની મિલકત એ અગત્યનો મુદ્દો છે.
કારખાનાઓમાં અકસ્માતોના આંકડાના એનાલીસીસ પ્રમાણે, 2008માં કુલ 2901 અકસ્માતો નોંધાયા હતા. જે પૈકી પ્રાણઘાતક અકસ્માતોની સંખ્યા 176 હતી અને બિન- પ્રાણઘાતક અકસ્માતોની સંખ્યા 2725 હતી. એવી જ રીતે 2017માં દરરોજ સરેરાશ 5.19 પ્રાણઘાતક અને બિન-પ્રાણઘાતક અકસ્માતો નોંધાયા છે જ્યારે 2018માં કુલ 263 પ્રાણઘાતક અને 1036 બિન –પ્રાણ ઘાતક અકસ્માતો નોંધાય હતા, આમ સરેરાશ દરરોજ 3.55 અકસ્માતો નોંધાયા છે.
2015-16માં મકાન અને અન્ય શ્રમયોગીઓના પ્રાણઘાતક અકસ્માતના 29 બનાવ બન્યા હતા જેમાં 33 શ્રમયોગીઓ મૃત્યુ પામ્યા હતા, જયારે 2016-17માં મકાન અને અન્ય શ્રમયોગીઓના પ્રાણઘાતક અકસ્માતના કુલ 42 બનાવો બન્યા હતા જેમાં 42 શ્રમયોગીઓ મૃત્યુ પામ્યા છે. 2017-18માં થયેલા પ્રાણઘાતક અકસ્માતના 42 બનાવમાં 50 શ્રમયોગીઓ મૃત્યુ પામ્યા છે, હવે આજે કોરોના સંક્રમણના સમયે પણ મજૂરો અને તેમના પરિવારજનો માટે સુરક્ષાની કોઇ યોજના લાગુ કરવામાં આવી નથી. સ્થળાંતર કરવામાં પણ ઘણાં મજૂરોના મોત થયાં છે.