છેલ્લા 3 દિવસથી હાર્દિક પટેલ પરના કેસ પર સુપ્રીમ કોર્ટનો સ્ટે આવ્યો છે ત્યારથી તેઓ અનેક બાબતોને લઈને ચર્ચામાં છે.
બે દિવસ પહેલા મીડિયા સાથેની વાતચીતમાં હાર્દિક પટેલ પોતાના પક્ષ કોંગ્રેસથી ખૂબ જ નારાજ હોય તેવું દર્શાવ્યું છે, આ સાથે પક્ષ પર તેમણે અનેક આરોપો લગાવ્યા છે, હાર્દિક પટેલ દ્વારા થઈ રહેલી આ વાતોને લઈને રાજનૈતિક જાણકારોના મતે ગુજરાતની રાજનીતિમાં મોટાપાયે નવાજૂની થઈ શકે છે તેવું દેખાઈ આવે છે.
શું નરેશ પટેલના બહાને હાર્દિક પટેલને કોંગ્રેસના નેતાઓને આડેહાથ લેવાનો મોકો મળી ગયો છે?
બે દિવસ પહેલા તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, પાટીદાર અગ્રણી નરેશ પટેલને લઈને કોંગ્રેસમાં કોઈ નિર્ણયશક્તિ નથી, ઉપરાંત કોંગ્રેસ આ રીતે નરેશ પટેલનું અપમાન કરી રહી છે, જે સમગ્ર પાટીદાર સમાજનું અપમાન છે
હાર્દિક પટેલે પોતાના જ પક્ષ પર આરોપ લગાવ્યો છે કે તેમને કોંગ્રેસમાં હેરાન કરવામાં આવી રહ્યા છે, પક્ષના અમુક નેતાઓ ઈચ્છે છે કે હું કોંગ્રેસ છોડી દઉં.
હવે, હાર્દિક પટેલ દ્વારા પોતાના જ પક્ષ પર થયેલા આ પ્રકારના ગંભીર આરોપો હોય કે પછી નરેશ પટેલ તરફી આપેલા નિવેદનો હોય, આ તમામ બાબતો ખરેખર કોંગ્રેસ પક્ષમાં મોટો ભૂકંપ સર્જી શકે છે તેવા અણસાર વર્તાઈ રહ્યાં છે.
હાર્દિક પટેલ પક્ષ છોડવા માટે નહિ પણ કોંગ્રેસમાં પાટીદાર પ્રભુત્વ વધારવા માટે આ બધું કરી રહ્યા હોય?
છેલ્લા બે મહિનાથી ખોડલધામના ચેરમેન નરેશ પટેલની કોઈ પણ પક્ષમાં સક્રિય રાજનીતિ શરૂ કરવાની વાતો થઈ રહી છે, નરેશ પટેલનું સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અમુક સીટો પર ઘણું પ્રભુત્વ છે, જ્યારે હાર્દિક પટેલ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઘણો પ્રભાવ પાડી શકે છે, હાર્દિક પટેલ ઈચ્છે કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય, જેથી પાટીદાર સમાજના તે બંને રાજનેતાઓ દ્વારા રાજ્યની સેંકડો સીટો પર પ્રભુત્વ જમાવી શકે.
માટે જ હાર્દિક પટેલ નરેશ પટેલને લઈને તેમના તરફી નિવેદનો આપી રહ્યા હોય, અને તેમના જ પક્ષના બીજા તમામ સિનિયર નેતાઓને આડેહાથ લેતા હોય.. તેવી શક્યતાઓ ઘણા અંશે દેખાય છે.
આ ઉપરાંત તેમના દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે પક્ષમાં તેમની વાત કે ફરિયાદ કોઈ સાંભળતું નથી.
હાર્દિક પટેલ દ્વારા આવો મુદ્દો પોતાના પક્ષ સામે ઉઠાવવા પાછળ બની શકે કે તેઓ ઈચ્છે છે કે કોંગ્રેસના અમુક નેતાઓને નિષ્ક્રિય કરીને કોંગ્રેસની બાગડોર વધુમાં વધુ પોતાના હાથમાં લેવા માંગતા હોય, જેથી એક રીતે પાર્ટી તેના કંટ્રોલમાં આવીને કામ કરે.