ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ રાજકીય પાર્ટીઓ તરફથી પુરજોશમાં શરૂ થઈ ગઈ છે, તેવા માહોલમાં ‘ સત્ય ડે’ ન્યૂઝ પરથી દરરોજ રાજ્યના અલગ અલગ જિલ્લાઓની વિધાનસભા બેઠકો વિશેની સચોટ અને વિસ્તૃત માહિતી મેળવીશું.
(41) ઘાટલોડિયા વિધાનસભા બેઠક
અમદાવાદ શહેર અને અમુક ગ્રામ્ય વિસ્તારોમાંની ઘાટલોડીયા વિધાનસભા બેઠક 2008માં અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આવે છે. એટલે કે વર્તમાનમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું મતક્ષેત્ર છે.
જૂના સીમાંકનમાં આ બેઠકના અમુક વિસ્તારો સરખેજ વિધાનસભા બેઠકમાંથી લેવામાં આવ્યા છે.
અગાઉ સરખેજ બેઠકના સીમાંકનમાં આવતા આ વિસ્તારમાં હંમેશાથી ભાજપ તરફી પરિણામો આવ્યા છે.
ઘાટલોડિયા વિસ્તારને સમૃદ્ધનગર વિસ્તારમાં ગણતરી કરાય છે. આ વિસ્તારમાં મોટા પાયે ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો રહે છે.
અહીંના મતદારોમાં સાક્ષરતા દર 84 ટકાથી પણ વધુ છે. અહી સરકારી ટ્રાન્સપોર્ટેશન, શાળાઓ, બેંક, હોસ્પિટલ, માર્કેટ, આર.સી.સી.રોડ, પાણી, સ્વચ્છતા, અર્બન હેલ્થ સેન્ટર વગેરે વ્યવસ્થાઓ ખૂબ સારી સુવિધાઓ પૂરી પાડે છે.
ઘાટલોડિયા વિધાનસભા બેઠકનો રાજકીય ઈતિહાસ
ઘાટલોડિયા બેઠક પર અત્યાર સુધીમાં બે વિધાનસભાની ચૂંટણી યોજાઈ ચૂકી છે. બંને વખત ભાજપનો વિજય થયો છે, તેમજ બંને ટર્મમાં જીતેલા ધારાસભ્યો મુખ્યમંત્રી બન્યા છે.
ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અહી પ્રથમ ચુંટણી જીત્યાં હતાં, તે બાદ જ્યારે તેમને રાજ્યપાલ બનાવવામાં આવ્યા ત્યારે તેમણે તેમના વિશ્વાસુ ગણાતાં વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને અહીથી ચુંટણી મેદાને ઉતર્યા હતાં.
આ વિધાનસભા વિસ્તાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સંસદીય વિસ્તારમાં આવે છે.
ઘાટલોડિયા બેઠક પર જ્ઞાતિઓનો ગણિત
આ વિસ્તારની બેઠક હંમેશા ભાજપ તરફી રહી છે, આ બેઠક પર કુલ 3.5 લાખ મતદારો છે, જેમાં ખાસ કરીને પાટીદાર મતદારોની સંખ્યા 80 હજાર જેટલી છે, જે આ બેઠક પર સંપૂર્ણ પણે પ્રભુત્વ ધરાવે છે, આ ઉપરાંત રબારી સમાજના મતદારો પણ 40 હજારની આસપાસ છે.
આ બેઠક પર હાલની રાજકીય પરિસ્થિતિ
બે વર્ષ પહેલા ભાજપે રાજ્યમાં જ્યારે નેતૃત્વ પરિવર્તન કરેલું ત્યારે અહીંના ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ પટેલને મુખ્યમંત્રી બનાવ્યા છે, અને મનાઈ રહ્યું છે ત્યાં સુધી આગામી ચુંટણીમાં પણ ભુપેન્દ્રભાઈ પટેલ જ મુખ્યમંત્રી બનશે, તેવા સંજોગોમાં તેઓ આ બેઠક પરથી જ ચુંટણી લડે તે નક્કી છે,
તો સામે છેલ્લી બંન્ને ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર શશીકાંત પટેલને હાર મળી છે, અને જ્ઞાતિઓનું ગણિત જોતા આ વખતે પણ શશીકાંત પટેલ અથવા અન્ય કોઈ પાટીદાર ઉમેદવાર ઊભા રહેશે તેવી જ મનાઈ રહ્યું છે.
© SatyaDay Daily