આખા ગુજરાત રાજ્ય માટે સારા સમાચાર છે. ગુજરાતના માથે આ વર્ષે પીવાના પાણીનું સંકટ સર્જાયું છે ત્યારે નર્મદાથી એક સારા સમાચાર આવ્યા છે. હાલ સિંચાઈ અને પીવાના પાણી માટે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. આ સમયે ડેમની સપાટી ધીમે ધીમે ઓછી થઈ રહી છે, ત્યારે મધ્ય પ્રદેશમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. મધ્ય પ્રદેશમાંથી 12,229 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જે બાદમાં પાણીની સતત આવકથી ડેમની સપાટીમાં વધારો થયો છે. હાલ ડેમની સપાટી વધીને 127.61 મીટર પર પહોંચી છે.
હાલ નર્મદા ડેમમાંથી પીવા તેમજ સિંચાઈ માટે મુખ્ય કેનાલમાંથી 19,995 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીના જથ્થાની વાત કરવામાં આવે તો હાલ નર્મદા ડેમમાં 2877 mcm મિલિયન ક્યુબીક મીટર પાણીનો જથ્થો છે. ગત વર્ષ કરતા આ વર્ષે ડેમમાં બમણું પાણી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સરકારે દાવો કર્યો છે કે નર્મદા ડેમમાં પાણીનો જે જથ્થો છે તે ગુજરાતને પીવા તેમજ સિંચાઈ માટે એક વર્ષ સુધી ચાલી શકે છે