Visnagar fraud case: વિસનગરના વેપારી સાથે 21.65 લાખની ઠગાઈ, ‘સચિવાલયમાંથી બોલું છું’ કહી કર્યો છેતરપિંડીનો દાવ
Visnagar fraud case: મહેસાણા જિલ્લાના વિસનગરમાંથી છેતરપિંડીનો ચોંકાવતો બનાવ પ્રકાશમાં આવ્યો છે. અહીં એક વેપારી દિનેશભાઈ પટેલ મિત્રતા અને વિશ્વાસના આધારે લાખો રૂપિયા ગુમાવી બેઠા.
આ ફરિયાદ વિસનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે, જેમાં દિનેશભાઈએ સુરતના જયંતિભાઈ પટેલ અને તેમના પુત્ર કૌશિક પટેલ વિરુદ્ધ ગંભીર આરોપો મૂક્યા છે. દિનેશભાઈ સાથે પહેલેથી મિત્રતા સ્થાપી હતી અને પોતાના પર ઇન્કમટેક્સ રેડ પડ્યાનું કારણ આપી આર્થિક પરિસ્થિતિ નાજુક બતાવી.
એટલું જ નહીં, વકીલના ફી માટે પણ પૈસાની જરૂર હોવાનું જણાવી તેઓએ કુલ રૂપિયા 21.65 લાખ ઉઘરાવી લીધા હતા. પૈસા પાછા નહીં આપવા માટે પિતા પુત્રએ બીજા વ્યક્તિની થાર ગાડીનું નામ અને નકલી ચેક પણ આપ્યા હતા. જોકે, ચેક બેંકમાં જમા કરતાં સ્ટોપ પેમેન્ટ હોવાને કારણે તે બાઉન્સ થયો.
પછી પિતા પુત્ર દિનેશભાઈના ઓફિસે આવ્યા અને પોતાને ગાંધીનગર સચિવાલયના એક IAS અધિકારી ઋષભ રેડી સાથે જોડાણ હોવાની વાત કરી. ફોન પર પણ એવી રીતે વાત કરાવી કે જાણે આ અધિકારી ખરેખર મદદ કરવા તત્પર હોય. દિનેશભાઈને વિશ્વાસમાં લેવા તેઓએ કહ્યું કે “કેસ જીતી જશો અને બધા પૈસા પાછા મળશે.”
ફેબ્રુઆરી સુધી પૈસા પરત આપવાનો વાયદો કર્યો હતો પણ સમય આવી ગયા બાદ માત્ર વચનો જ મળ્યા. ત્યારબાદ માર્ચ 2025માં 25 લાખનો ચેક શાહ અર્પિતના નામે આપ્યો ગયો, પણ તે પણ સ્ટોપ પેમેન્ટ તરીકે પરત ફર્યો. ફરીથી 19 લાખનો બીજો ચેક પણ અપુરતા ભંડોળના કારણે રદ થયો.
જ્યારે દિનેશભાઈએ વાત કરી ત્યારે સામેના લોકોએ ધમકી આપી કે “તું તારે જે કરવું હોય તે કરી લે, અમે કોઈથી ડરતા નથી” અને જીવતા મારી નાખીશું જેવી ધમકી પણ આપી.
હાલ પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે અને ફરિયાદના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.