Valsad: વલસાડ જિલ્લામાં આગામી 60 દિવસ માટે ‘ટોબેકો ફ્રી યુથ કેમ્પેઈન 2.0’ની શરૂઆત
Valsad: વલસાડ તાલુકાના ફણસવાડાની સાર્વજનિક માધ્યમિક શાળા ખાતે વલસાડ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતીના ચેરમેન શ્રીમતી કલ્પનાબેન આર. પટેલની અધ્યક્ષતામાં આરોગ્ય શાખાના રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ. મનોજ પટેલનાં માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત “ટોબેકો ફ્રી યુથ કેમ્પેઇન ૨.૦” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બાળકોને તમાકુ સેવનનાં કારણે થતાં ગંભીર રોગો જેવા કે મોઢાંનું કેન્સર, લકવો, હ્રદય રોગ, ટી.બી. નપુસંકતા જેવા રોગો તેમજ અન્ય ગેરલાભો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શાળાનાં વિધાર્થીઓ તથા સ્ટાફ હાજર રહ્યા હતા.
“ટોબેકો ફ્રી યુથ કેમ્પેઇન ૨.૦” કેમ્પેઇન હેઠળ આવનારા ૬૦ દિવસોમાં સખતપણે અમલવારી કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. તેમજ તમાકુ સામેની લડાઇ હજી પૂર્ણ થઇ નથી. આજનાં સમયમાં યુવાનોમાં તમાકુનો વધતો જતો ઉપયોગ ગંભીર ચિંતાનો વિષય છે. આ અભિયાન યુવાનોને તમાકુ મુકત પેઢી તરફ દોરવા માટે અને ઉજવ્વળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરી તમાકુનાં સેવનનાં કારણે થતાં રોગો માટે માહિતગાર કરવામાં આવ્યા. વધુમાં જાહેર સ્થળોએ પાનમસાલા, તમાકુ, સિગારેટનું વેચાણ કરતાં દુકાનદારોને “સિગારેટ્સ એન્ડ અધર ટોબેકો પ્રોડકટ્સ એકટ-૨૦૦૩ (COTPA) વિશે જાણકારી અને સમજણ આપવામાં આવશે.
યુવાનોમાં તમાકુનો વધતો જતો ઉપયોગ અટકાવી શકાશે.
સામુહિક પ્રયાસો દ્વારા તમાકુનાં ઉપયોગને ઘટાડવા માટે દૈનિક ધોરણે કામગીરી કરવામાં આવશે. સૌ સાથે મળીને યુવાનોને તંદુરસ્ત અને તમાકુ મુક્ત જીવન જીવવા માટેનાં તમામ પ્રયાસો કરી ઉજવ્વળ ભવિષ્ય અને સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ કરવા કટીબધ્ધ છે. તમાકુ વ્યસન છોડવા માગતા વ્યક્તિઓ ટોલ ફ્રી હેલ્પ લાઇન નંબર ૧૮૦૦૧૧૨૩૫૬ પરથી મદદ મેળવી શકશે.