Valsad: 21 વર્ષથી નાસતા ફરતા આરોપીની ધરપકડમાં વલસાડ એસ.ઓ.જી.ને સફળતા
Valsad ઉમરગામ (ભિલાડ) પોલીસ સ્ટેશનના ધાડ, લુંટ અને આર્મ્સ એક્ટના ગુનામાં આરોપીની ધરપકડ
વલસાડ એસ.ઓ.જી.ની ટીમે 21 વર્ષથી નાસતા ફરતા આરોપી બ્રિજેશ શંકર યાદવને ઉત્તર પ્રદેશના ગાજીપુર જિલ્લાના ચાંડીપુર ગામમાંથી ઝડપી પાડવામાં મહત્ત્વની સફળતા પ્રાપ્ત કરી છે.
મે.પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ (સુરત વિભાગ) અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વલસાડ એસ.ઓ.જી. દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી. ગુન્હાના કેસ કાગળોનો તલસ્પર્શી અભ્યાસ કરી, હ્યુમન અને ટેકનિકલ સોર્સ દ્વારા મળેલી માહિતીના આધારે આ કાર્યવાહીની કડી તૈયાર કરવામાં આવી.
20 ફેબ્રુઆરી 2004ના રોજ ભિલાડ વિસ્તારમાં હેમંતભાઈના ગેરેજ પાસે આરોપીઓએ રીવોલ્વર, ગુપ્તી અને ચાકુ જેવી હથિયારો સાથે લૂંટચોરી કરી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ગુન્હામાં ઈપીસી કલમ 395, 342, 506(2) તેમજ આર્મ્સ એક્ટ 25(1)C હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
વલસાડ એસ.ઓ.જી. દ્વારા આરોપી બ્રિજેશ શંકર યાદવ વિશે મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરી, એ.એસ.આઈ. વિક્રમભાઈ મનુભાઈ અને પો.કો. મહેન્દ્રદાન જીલુભાને યુ.પી. મોકલવામાં આવ્યા. સ્થાનિક પોલીસની મદદથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો અને તેને વધુ તપાસ માટે ઉમરગામ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો.
નામ: બ્રિજેશ શંકર યાદવ (ઉ.વ. 49)
રહે: ગામ ચાંડીપુર, પોસ્ટ નંદગંજ, તા. સૈયદપુર, થાણા કરન્ડા, જી. ગાજીપુર, ઉત્તર પ્રદેશ
પોલીસ ટીમનો સંલગ્ન પ્રયાસ
આ મહત્વની કામગીરી પો.ઈન્સ. એ.યુ. રોઝ, એ.એસ.આઈ. વિક્રમભાઈ મનુભાઈ, હે.કો. હસમુખભાઈ ગીગાભાઈ અને પો.કો. મહેન્દ્રદાન જીલુભાની સંકલિત મહેનતથી સફળ બની.
આરોપીની ધરપકડથી 21 વર્ષ જૂના ગુન્હાના ન્યાયને વેગ મળ્યો છે અને પોલીસ દળ પર પ્રજાનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.