Valsad: રાજ્યમાં વધુ તાપમાન અને હીટ વેવ અન્વયે લેવાની તકેદારીના ભાગરૂપે જીએસડીએમએ (ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી), વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને DISH દ્વારા સંયુક્ત રીતે જિલ્લા લેવલની મોકડ્રીલ કરવા માટે તા. ૧૧-૦૬-૨૪ના રોજ ઈનચાર્જ કલેકટરશ્રી અનુસુયા ઝાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર મીટીંગ યોજાઇ હતી. બેઠકમાં ઇનચાર્જ કલેટરશ્રીએ જિલ્લાના ઔધોગિક એકમના પ્રતિનિધિઓને તેમના એકમોમાં જો જોખમી રસાયણો બનાવતા કે રાખતા હોય તો તેના માટે જરૂરી તકેદારી રાખવા જણાવ્યું હતું. તેમજ આવા રસાયણોના ઉપયોગથી આકસ્મિક સંજોગોમાં કોઈ આપદા સર્જાય તો તેનાથી બચવા માટેના સુરક્ષાના સાધનો અને તાલીમ પામેલા કર્મચારીઓ રાખવા જણાવ્યું હતું. મોકડ્રીલનો રાજ્ય સરકારનો હેતુ સમજાવતા જણાવ્યું હતું કે, કુદરતી કે માનવસર્જિત આપદામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના દરેક વિભાગોના સંકલન અને સમન્વયથી માનવોની જાનહાની ન થાય તે માટેના અસરકારક પગલાં સમયસર અને ઝડપી લઇ શકાય છે. આ ઉપરાંત ખામીઓ દૂર કરી શકાય અને લોકોમાં જાગૃતિ આવે તે છે.
વલસાડ જિલ્લામાં પણ અતુલ લિમિટેડ, અતુલ ખાતે તા. ૧૫ મી જૂનના રોજ સાંજે ૪.૦૦ કલાકે જોખમી કેમિકલ ક્લોરિનના લિકેજનું અને તેનાથી બચવાના ઉપાયો પ્રદર્શિત કરવા માટેનું જિલ્લા કક્ષાની મોકડ્રિલ કરવામાં આવનાર છે. જેમાં જીએસડીએમએના પ્રતિનિધિ તેમજ જિલ્લા વહીવટી તંત્ર ભાગ લેશે. બેઠકમાં જિલ્લા ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્યના નાયબ નિયામક એમ. સી. ગોહિલ, ડી ઝાસ્ટર મામલતદાર મન્સૂરી, પારડી પ્રાંત અધિકારી અંકિત ગોહિલ, પુરવઠા અધિકારી બારીયા અને અતુલ લી. ના પ્રતિનિધિઓ તથા સંબધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતાં.