- ઈવીએમના મતોની ૩૫૭ અને પોસ્ટલ બેલેટના મતોની ૧૦૦ અધિકારી- કર્મીઓ દ્વારા ગણતરી કરાશે
- ૬૬૬ સુરક્ષા જવાનોના લોખંડી બંદોબસ્ત હેઠળ મત ગણતરી સવારે ૮ કલાકે શરૂ થશે
- ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે સીધો મુકાબલો હોવાથી રસાકસીનો માહોલ જામશે
Valsad: ૨૬ – વલસાડ લોકસભા બેઠકની મતગણતરી માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે તા. ૪ જૂનના રોજ યોજનારી મત ગણતરી વલસાડ બેઠક પર ઉમેદવારી કરનાર સાત ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.
વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી –વ- જિલ્લા કલેકટર આયુષ ઓકના નેતૃત્વમાં તા. ૭ મે ના રોજ સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ૭૨.૭૧ ટકા જંગી મતદાન વલસાડ બેઠક પર નોંધાયા બાદ જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જાેવાઈ રહી હતી તે મત ગણતરીનો દિવસ તા. ૪ જૂન આવી પહોંચતા જિલ્લા ચૂંટણી અધિકારીના નેતૃત્વમાં જિલ્લાનું સમગ્ર ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. આજે ચૂંટણી પરિણામને પગલે જિલ્લાના ૧૩૫૨૪૧૩ મતદારોની સાથે સાથે રાજકીય પાર્ટીઓમાં પણ ભારે ઉત્કંઠા સર્જાઈ છે.
૨૬- વલસાડ બેઠક પર કુલ કુલ સાત ઉમેદવાર (૧) ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના અનંતકુમાર હસમુખભાઈ પટેલ (રહે. જવાહર રોડ, ઉનાઈ, તા.વાંસદા, જિ.નવસારી)ને (૨) ભારતીય જનતા પાર્ટીના ધવલ લક્ષ્મણભાઈ પટેલ (રહે. એ-૮૧, સ્વસ્તિક રો હાઉસ, વિજ્યાલક્ષ્મી કો.ઓ.હા. સોસાયટી, જહાંગીરાબાદ, સુરત) (૩) બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર મનકભાઈ જતરૂભાઈ શાનકર (રહે. ખોરા ફળિયું, મુ.પો.કણધા, તા.વાંસદા, જિ.નવસારી) (૪) બહુજન રિપબ્લિકન સોશ્યાલિસ્ટ પાર્ટીના ઉમેશભાઈ મગનભાઈ પટેલ (રહે. પુલ ફળિયું, ગામ ફલધરા, તા.જિ. વલસાડ) (૫) વીરો કે વીર ઈન્ડિયન પાર્ટીના ઉમેદવાર જયંતિભાઈ ખંડુભાઈ શાળું (રહે. મુ.પો. કાંગવી, નદી ફળિયુ, તા.ધરમપુર, જિ.વલસાડ) (૬) અપક્ષ ચિરાગકુમાર ભરતભાઈ પટેલ (રહે. ભીનાર, ભાઠેલ ફળિયા, તા.વાંસદા, જિ.નવસારી) અને (૭) રમણભાઈ કરશનભાઈ પટેલ (રહે. ૪૦૫, શેઠીયા નગર, પારડી સાંઢપોર-૨, તા.જિ. વલસાડ) પોતાનું નસીબ અજમાવવા માટે ચૂંટણીના મહાસંગ્રામમાં ઉતર્યા હતા. ૨૭ દિવસ બાદ આજે તા. ૪ જૂનના રોજ તેઓનું ભાવિ નક્કી થશે. જાે કે વલસાડ બેઠક પર ખાસ કરીને ભાજપના ઉમેદવાર ધવલ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ વચ્ચે સીધો મુકાબલો હોવાથી રસાકસીનો જંગ જામશે એવુ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. જેનો આજે ફેસલો થવાથી તમામ અટકળો પર પૂર્ણ વિરામ મુકાશે.
મતગણતરીને લઈને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવામાં આવી છે. મતગણતરીના દિવસે મળસ્કે ૪.૩૦ કલાકે જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ કાઉન્ટીંગ સ્ટાફનું થર્ડ રેન્ડમાઈઝેશન કરવામાં આવશે. સવારે ૮ વાગ્યેથી મતગણતરીનો પ્રારંભ થશે. જેમાં ઈવીએમ કાઉન્ટિંગમાં માઈક્રો ઓર્બ્ઝવર, સુપરવાઈઝર અને મદદનીશ સુપરવાઈઝર મળી ૩૫૭ અધિકારીઓ મત ગણતરી કરશે. જ્યારે પોસ્ટલ બેલેટના કુલ ૧૦૨૪૩ મતોની ગણતરી ૨૫ માઈક્રો ઓર્બ્ઝવર, ૨૫ સુપરવાઈઝર અને ૫૦ આસિસ્ટન્ટ સુપરવાઈઝર દ્વારા કરવામાં આવશે. સમગ્ર મત ગણતરી પ્રક્રિયા દરમિયાન કુલ ૨ હજારથી વધુનો સ્ટાફ પોતાની ફરજ બજાવશે. જાહેર જનતા પણ મત ગણતરીનું જીવંત પ્રસારણ નિહાળી શકે તે માટે કોલેજ કેમ્પસમાં સંસ્કાર કેન્દ્ર ખાતે એલઈડી ટીવી અને મંડપ સાથેની વ્યવસ્થા કરવામાં આવી છે.
સમગ્ર મત ગણતરી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે એ માટે ૧ એસપી, ૫ ડીવાયએસપી, ૧૦ પીઆઇ, ૪૦ પીએસઆઇ, ૪૧૫ પોલીસ કર્મીઓ, ૧૫૦ હોમગાર્ડ, ૨૪ સીઆઈએસએફ અને ૨૧ એસઆરપી જવાન મળી કુલ ૬૬૬ જવાનોના લોખંડી બંદોબસ્ત વચ્ચે મત ગણતરી હાથ ધરવામાં આવશે.