Valsad: BAPS તિથલ મંદિરે 15 થી 25 ડિસે ઉજવાશે રજત જયંતિ મહોત્સવ
Valsad એક પખવાડિયા પછી શરૂ થશે અભૂતપૂર્વ સ્વામિનારાયણ નગર 15 થી 25 ડિસેમ્બર 2024 સુધી
Valsad રત્નાકર એટલે સમુદ્રનું બીજું નામ… અને આપણા દક્ષિણ ગુજરાતના દરિયાદેવ એવા અરબી સમુદ્રનું નજરાણું સમાન,નયનરમ્ય,દિવ્ય અને અલૌકિક રત્ન એટલે BAPS સ્વામિનારાયણ મંદિર તિથલ… સનાતન ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન, બહારથી કલા-કોતરણી અને શિલ્પ સ્થાપત્યના વૈભવથી ભરપૂર અને અંદરથી ચૈતન્ય આભા પ્રસરાવતી દિવ્ય – મનમોહક મૂર્તિના સ્વરૂપો જાણે સાગર છીપનું અણમોલ મોતી અહીં સાગરતટે આપણા સૌની નજર સામે દ્રશ્યમાન થઈ રહ્યું છે.
Valsad આ ભવ્ય દિવ્ય સ્થાપત્ય ને આ વર્ષે 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. સાગર જેમ પોતાના ભૂગર્ભમાં તળિયે અનમોલ રત્નો સંગ્રહ કરીને બેઠું છે તેમ છેલ્લા 25 વર્ષોથી આ નૈમિષારણ્ય સ્થાન કેટ કેટલી ઐતિહાસિક સ્મૃતિઓને સંગ્રહીને બેઠું છે.
આ સ્મૃતિઓને જાણવા અને માણવાનું પર્વ એટલે રજત જયંતિ મહોત્સવ…
મંદિરનું આ સંકુલ સતત 25 વર્ષથી સામાજિક સેવાની સરવાણી વહાવી રહ્યું છે… એ પછી વ્યસનમુક્તિ હોય કે સંસ્કારસિંચન, મહિલા ઉત્કર્ષની પ્રવૃત્તિ હોય કે આદિવાસી ઉત્કર્ષની પ્રવૃત્તિઓ, પૂર જેવી કુદરતી આપત્તિ હોય કે પછી કોરોના મહામારી હોય,આ મંદિર આધ્યાત્મની દીવાદાંડી સમાન હંમેશા સમાજની પડખે ઊભી રહી તમામને જીવનની સાચી દિશા બતાવી રહ્યું છે.જેની આધ્યાત્મિક ફોરમ વલસાડના ખૂણે ખૂણે પહોંચી છે અને છેલ્લા 25 વર્ષોથી લોકોને શાશ્વત શાંતિ અને પવિત્ર પ્રેરણાઓનું પિયુષ પાય રહ્યું છે… જેના પ્રેરક અને નિર્માતા છે બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રમુખસ્વામી મહારાજ… અને પોષક છે BAPS સંસ્થાના આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ…જેમની દિવ્ય કૃપાથી નિર્માણ થયેલ આ મંદિર અને એના દ્વારા પ્રાપ્ત થયેલ સત્સંગ, સેવા, સમજણ, સંપ જેવા મૂલ્યોને માણવાનો અવસર એટલે તિથલ મંદિર રજત જંયતિ મહોત્સવ…
પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ એ આપણા વિસ્તારમાં કરેલા અનંત ઉપકારોની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર એટલે તિથલ મંદિર રજત જયંતિ મહોત્સવ…
Valsad 25 એકરની ભૂમિ ઉપર એક અભૂતપૂર્વ નગર અહી નિર્માણ પામશે.જે તા.૧૫ થી ૨૫ ડિસેમ્બર એટલે કે ૧૧ દિવસ સુધી કાર્યરત રહેશે.જેનો સમય સ્કૂલના વિદ્યાર્થીઓ માટે સવારે ૯:૦૦ થી બપોરે ૨:૦૦ કલાક સુધી અને આમજનતા માટે બપોરે ૩:૦૦ થી રાત્રે ૯:૦૦ વાગ્યા સુધીનો રહેશે.જેમાં લોકોની આધ્યાત્મિક ઉન્નતિ થાય એ હેતુથી વિવિધ માધ્યમો અને રસપ્રદ કાર્યક્રમો દ્વારા લોકોને પવિત્ર પ્રેરણાઓ પ્રાપ્ત થશે.અહીં આધ્યાત્મિકતા એ ફક્ત આત્મ કલ્યાણ નહીં પરંતુ સમાજ કલ્યાણ પણ છે.જેની શુભ શરૂઆત થશે સમૂહ લગ્નોત્સવથી.
સમૂહ લગ્નોત્સવ અને નગર ઉદ્ઘાટન
સનાતન હિન્દુ ધર્મના સોળ સંસ્કારમાંનો એક મહત્વનો હિંદુ સંસ્કાર એટલે લગ્ન. આ લગ્ન સંસ્કાર એક પવિત્ર વિધિ છે.
જેમાં ૧૦૦ જેટલા યુગલો લગ્નગ્રંથિથી જોડાશે.તીથલ મંદિર રજત જયંતીનો શુભારંભ તા:-૧૫/૧૨/૨૪ને રવિવારના રોજ સવારે ૮:૦૦ કલાકે સમૂહ લગ્ન અને સવારે ૧૦:૦૦ કલાકે નગર ઉદ્દઘાટનથી થશે.
આજ દિવસે ફ્રી મેડીકલ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું પણ ઉદ્દઘાટન થશે.
તન દુરસ્ત તો જ મન દુરસ્ત, માટે BAPS સ્વામિનારાયણ મંદિરના રજત જયંતિ મહોત્સવ ઉપક્રમે તા. ૧૫ થી ૨૫ ડિસેમ્બર 2024 દરમિયાન નિ:શુલ્ક સર્વરોગ નિદાન કૅમ્પ (મેગા સુપર સ્પેશ્યાલિટી મેડિકલ ચેકઅપ કેમ્પ) તેમજ બ્લડ ડોનેશન કેમ્પનો પણ જાહેર જનતાને લાભ પ્રાપ્ત થશે. આ મેગા સુપર સ્પેશ્યાલિટી મેડિકલ કેમ્પ દરમિયાન નિદાન થયેલ જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર કરવામાં આવશે.
વિશ્વશાંતિ મહાયાગ
યજ્ઞ એ સનાતન ધર્મમાં વૈદિક મંત્રો સાથે અગ્નિમાં આહુતિ આપવાની અતિ પ્રાચિન અને મહત્વપૂર્ણ ધાર્મિક ક્રિયા છે. તા :-૨૦/૧૨ અને ૨૧/૧૨ ના દિને વિશ્વશાંતિ મહાયાગ સવારે ૫:૩૦ કલાકે યોજવામાં આવશે.
વલસાડ શહેરમાં ભવ્ય શોભાયાત્રા
અક્ષર પુરુષોત્તમ મહારાજ અને ગુરુ પરંપરાની એક ભવ્ય શોભાયાત્રા તા:-૨૧/૧૨ ને શનિવારે બપોરે ૨:૦૦ કલાકે વલસાડ શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરશે.
તિથલ સ્વામિનારાયણ મંદિર યશગાથા
તા:-૨૩,૨૪ ના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલ છે.જેમાં તીથલ મંદિરનો ઐતિહાસિક ઈતિહાસ ગાથા સ્વરૂપે સાંજે ૭:૦૦ કલાકે રજૂ કરવામાં આવશે.
મહિલા સંમેલન
તા:-૨૪/૧૨ ને મંગળવારે અક્ષર પુરુષોત્તમ મહારાજનો મહાઅભિષેક,મહાપૂજા અને મંદિર પાટોત્સવ સવારે ૬:૦૦ કલાકે યોજાશે. સાંજે ૭:૦૦ કલાકે મહિલા સંમેલનનું આયોજનમાં કરવામાં આવેલ છે.
રજતજંયતિ મુખ્ય સભા
તા:-૨૫/૧૨ ને બુધવારે રજત જયંતીની મુખ્ય સભા સાંજે ૭:૦૦ કલાકે શરુ થશે. જેમાં બી.એ.પી.એસ સંસ્થાના સદગુરુ સંતોના અલૌકિક સાનિધ્યમાં રજત જયંતિ મહોત્સવની સભાનો અદભુત લાભ પ્રાપ્ત થશે.
નગરના મુખ્ય આકર્ષણો
બાળનગરી જેમાં વિલેજ ઓફ બુઝો અને સી ઓફ સુવર્ણાના વિદ્યાર્થીઓ માટેના ખાસ લાઇવ શો તેમજ બાળકોના મનોરંજન માટે ગેમ ઝોન અને મેસ્કોટ,પ્રેરણાદાયી પ્રદર્શનો : ચલો તોડ દે યે બંધન, અવર ઇન્ડિયા-માય ઈન્ડિયા,સંત પરમ હિતકારી, સાંસ્કૃતિક કાર્યક્રમો, ભવ્ય પ્રવેશ દ્વાર તેમજ પ્રમુખસ્વામી મહારાજની દિવ્ય પ્રતિમા, ભજન કુટીર, સુંદર બગીચો વગેરેનો લાભ પ્રાપ્ત થશે.
આ અભૂતપૂર્વ નગરનો અનેરો લાભ લેવા BAPS તિથલ સ્વામિનારાયણ મંદિર તમામ વલસાડવાસીઓને સગા સ્નેહી અને સ્વજનો સાથે હદયથી આમંત્રિત કરે છે.