Vadodara Sadhli Segwa State Highway: વડોદરામાં પ્રથમ વખત પ્લાસ્ટિક વેસ્ટથી રોડ નિર્માણ: સાધલી-સેગવા હાઈવે માટે 10.19 કરોડનો ખર્ચ
Vadodara Sadhli Segwa State Highway: વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના રહેવાસીઓ માટે એક ખુશખબર છે. આગામી સમયમાં સાધલીથી સેગવા સુધીનો સ્ટેટ હાઈવે પ્લાસ્ટિક વેસ્ટના ઉપયોગથી તૈયાર થવાનો છે. આશરે રૂ. 10.19 કરોડના ખર્ચે બનનારો આ માર્ગ માત્ર વિસ્તારોને જોડતો રસ્તો નહીં, પરંતુ પર્યાવરણ સંરક્ષણ અને માર્ગોની મજબૂતીની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું બની રહેશે.
મોંઘા પ્લાસ્ટિક કચરાનો પ્રયોગ મજબૂત કરવા માટે
માર્ગના નિર્માણ દરમિયાન ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત પર્યાવરણ માટે હાનિકારક ગણાતી પ્લાસ્ટિક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં પ્લાસ્ટિક બેગ, દૂધની કોથળીઓ, પેકિંગ મટિરિયલ, ઘરના ઉપયોગની સામગ્રીમાં વપરાતું થર્મોપ્લાસ્ટિક વગેરે સામેલ રહેશે. કેન્દ્રીય માર્ગ મંત્રાલય દ્વારા માન્યતા અપાયેલી ‘હોટ બિટ્યુમિનસ ડ્રાય મિક્સ’ પદ્ધતિ હેઠળ પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ થશે.
માવઠા સમયે થતી સમસ્યાનો પણ ઉકેલ
આ માર્ગ કરજણ અને શિનોર તાલુકાને જોડે છે, અને અનેક ગામો માટે જીવનરેખા સમાન છે. અગાઉના વર્ષોમાં ચોમાસા દરમિયાન અવાખલ ગામ અને નજીકની ફેક્ટરી પાસે વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હતી, જેનો કાયમી ઉકેલ પણ આ નવા રસ્તાની રચનામાં સામેલ કરવામાં આવ્યો છે.
વિકસિત ભારત માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટની દિશામાં ગુજરાતના પગલાં
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત માટે પર્યાવરણ અનુકૂળ રસ્તાઓનું વિઝન રજૂ કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં આવા પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે, જે ભવિષ્યમાં દેશ માટે એક પર્યાવરણસ્નેહી મોડેલ સાબિત થશે.