રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી આ વખતે બેઠકો મેળવવા એડીચોટીનું જોર લગાવી રહ્યું છે, જેના માટે સત્તાધારી ભાજપ સામે ચારે હાથે ઊભું રહેવા મથી રહ્યું છે.
નિર્ધારિત સમય પ્રમાણે જોઈએ તો રાજ્યમાં ચુંટણીને હવે પાંચ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનું મૂળભૂત સંગઠન મજબૂત બનાવી રહ્યું છે, અને આ સાથે જ રાજ્યના અમુક ભગો પર ખાસ ફોકસ કરી રહ્યું છે.
ગત દિવસોમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દક્ષિણ ગુજરાતના પ્રવાસે હતાં, જે બાદ હવે આવતી 11મે ના રોજ તેઓ રાજકોટ ખાતે જાહેર સભામાં ઉપસ્થિત રહેશે.
વર્ષ 2017 ની ચુંટણીમાં આમ આદમી પાર્ટીએ નબળા સંગઠન સાથે જંપલાવ્યું હતું, પરિણામે તેમને બેઠકો તો મળી ન હતી પરંતુ મતો જરૂર મળેલા, અને હવે 2022માં મજબૂત સંગઠન સાથે પાર્ટી ચુંટણી મેદાને ઉતારવા માંગે છે, એક પછી એક આપ પાર્ટીના મોટા નેતાઓ ગુજરાતના પ્રવાસે આવીને પાર્ટી કાર્યકર્તાઓનું મનોબળ વધારી રહ્યાં છે.
દક્ષિણ ગુજરાતમાં સુરત અને આસપાસના વિસ્તારોમાં આપ પાર્ટી સારી લડત આપે છે, જ્યારે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટ શહેર પર હવે પછીનું ધ્યાન કેન્દ્રિત હોય તેવું દેખાય છે.
રાજકોટમાં છેલ્લા દિવસોમાં ભાજપના અનેક કાર્યકર્તાઓ પાર્ટી છોડીને આપ માં જોડાયા હતાં, ઉપરાંત કોંગ્રેસના દિગ્ગજ ગણાતા પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને રાજકોટ કોંગ્રેસના વશરામ સાગઠીયા પણ આપમાં જોડાયા બાદ શહેરમાં આમ આદમી પાર્ટી મજબૂતી મેળવી રહી છે, દરમિયાન આપ દ્વારા ત્રિરંગા યાત્રા યોજાયેલી જેમાં રાજકોટ શહેરમથી પાર્ટીને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો.
આપ પાર્ટી ભાજપથી અસંતુષ્ટ મતદારોને ખેંચવામાં અમુક અંશે સફળ પણ રહી છે, અને એટલે જ અરવિંદ કેજરીવાલે હવે રાજકોટ ભણી મિટ માંડી છે, સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટમાં વર્ષોથી ભાજપનો દબદબો છે, ત્યારે આપ પાર્ટી ભાજપના ગઢમાં છેદ પડીને પ્રવેશ કરવામાં સફળ જાય તો ભાજપ માટે આ મુશ્કેલી ઊભી કરે તે ચોક્કસ છે.
ગયા અઠવાડિયે ગુજરાતની BTP પાર્ટી સાથે ગઠબંધન કરીને આપ પાર્ટીએ મોટો માસ્ટર સ્ટ્રોક ખેલ્યો હતો, ગુજરાતના શહેરી મતદારો,શિક્ષિત જનો, અને યુવાનો પર ધ્યાન કેન્દ્રિત કરીને આમ આદમી પાર્ટી પોતાની રણનીતિ ખેલી રહી છે, ત્યારે હવે જોવાનું રહેશે કે દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં આપ પાર્ટી કયા માસ્ટર સ્ટ્રોક ખેલીને સત્તાધારી ભાજપ અને કોંગ્રેસને પડકાર ફેંકે છે.