ગાંધીનગર- ગુજરાતના ત્રણ શહેરો કે જ્યાં કોરોના વાયરસના પોઝિટીવ કેસોની સંખ્યા વધતી જાય છે ત્યાં લોકડાઉનનો અમલ કરાવવા માટે રાજ્ય સરકારે પોલીસની સાથે પેરા મિલિટ્રી ફોર્સની પાંચ કંપનીઓ મેદાનમાં ઉતારી છે. વાયરસના સંક્રમણને રોકવા માટે રાજ્ય પોલીસ વડાએ ફરીથી આદેશ આપ્યાં છે.
રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ કહ્યું છે કે, અમદાવાદ, સુરત અને વડોદરા શહેરમાં કોરોના સંક્રમણને ઝડપભેર રોકવા લૉકડાઉનના ચુસ્ત અમલ માટે કેન્દ્ર સરકાર દ્વારા પેરા મિલિટરી દળની પાંચ કુમક ફાળવાઈ છે. જેમાં 2 બીએસએફ, 2 સીઆઈએસએફ અને 1 સીઆરપીએફની મહિલા ટુકડીનો સમાવેશ થાય છે. જે પૈકી અમદાવાદમાં 2, સુરતમાં 2 તથા વડોદરામાં 1 કુમક ફાળવવામાં આવી છે તેમજ રેપીડ એક્શન ફોર્સની 4 કંપનીઓ કાર્યરત રહેશે.
તેમણે કહ્યું છે કે કોરોનાના સંક્રમણને અટકાવવા રાજ્યના ક્લસ્ટર કોરન્ટાઈન વિસ્તારોમાં પોલીસ તંત્રની મદદથી આરોગ્ય વિભાગ દ્વારા લોકોના આરોગ્યની ચકાસણી વધુ સઘન બને તથા આરોગ્ય કર્મચારીઓને સુરક્ષા મળી રહે તે માટે પૂરતો પોલીસ સ્ટાફ ફાળવવામાં આવ્યો છે.
કોરોના વાયરસ સબંધિત ખોટા સમાચારો તથા ખોટી માહિતીને ઓળખવાનો અને શક્ય તેટલી કોરોના વાયરસ સંબંધિત અધિકૃત માહિતીનો પ્રચાર અને પ્રસાર કરવાના હેતુથી તેમજ સોશ્યલ મીડિયા દ્વારા ફેલાતી અફવાઓ અને ખોટી માહિતીને નશ્યત કરવા રાજ્યના સાયબર સેલ દ્વારાwww.fakenews.gujaratcybercrime.org વેબસાઈટ કાર્યરત કરવામાં આવી છે, જેના ઉપર નાગરિકો અફવા કે ખોટી માહિતી અંગેની ખરાઈ અને ફરિયાદ પણ કરી શકશે.
તેમણે કહ્યું કે લૉકડાઉનનો ભંગ બદલ તથા મોટર વાહન કાયદા હેઠળની જોગવાઇઓ મુજબ પોલીસ દ્વારા ડીટેઇન કરેલા વાહનો મુક્ત કરાવવા વાહન માલિકને પોલીસ તથા આર.ટી.ઓ એમ બે કચેરીએ જવું ન પડે તથા સોશ્યલ ડિસ્ટન્સિંગ પણ જળવાય તે હેતુથી લૉકડાઉન દરમિયાન વાહન ડીટેઇન કરવાના ગુન્હાઓ સમાધાન શુલ્ક લઇ ત્વરિત નિકાલ કરવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે આ માટે જાહેરનામા દ્વારા પોલીસ હેડ કોન્સ્ટેબલ તથા તેની ઉપરના પોલીસ અધિકારીઓને સત્તા આપવામાં આવી છે.
લૉકડાઉનના ભંગ કરનાર સામે પોલીસ કડક હાથે કામ કરી રહી છે ત્યારે સામાન્ય બહાના બનાવીને કેટલાક લોકો હજીપણ ઘરની બહાર ફરતા હોય છે અને લૉકડાઉનનો અમલ કરાવવામાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ સાથે દુર્વ્યવહાર કરતા હોય છે તેઓની સામે પોલીસ તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરાશે.
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની માહિતી આપતાં શિવાનંદ ઝા એ જણાવ્યું હતું કે, આજે ડ્રોન દ્વારા 496 ગુના નોંધવામાં આવ્યા છે અને આજ સુધીમાં કુલ 4,463 ગુનાઓ હેઠળ 9,920 લોકોની ધરપકડ કરવામાં આવી છે. CCTVના માધ્યમથી 88 ગુનાઓ નોંધીને 149 લોકોની અટકાયત કરી છે. આમ અત્યાર સુધીમાં કુલ-706 ગુનાઓમાં કુલ 1,194 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં અફવાઓ બદલ 36 ગુના નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ-202 ગુનાઓ હેઠળ 365 લોકોની ધરપકડ કરાઈ છે. ઉપરાંત સોશ્યિલ મીડિયાનો દુરૂપયોગ કરનારના જુદા-જુદા 9 એકાઉન્ટ બંધ કરવામાં આવેલ છે.
રાજ્યમાં લૉકડાઉન દરમિયાન ગઇકાલે જાહેરનામા ભંગના 3,121 ગુનાઓ, કવૉરન્ટાઈન ભંગના 1006 તેમજ અન્ય 467 એમ કુલ 4,594 ગુનાઓ હેઠળ કુલ 7064 લોકોની અટક કરવામાં આવી છે. જ્યારે 2,998 વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે.


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.