રાજ્યમાં લોકરક્ષક પરીક્ષાનું પેપર લીક થયાની ઘટનામાં 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે બનાસકાંઠાનાં એદ્રાણાનાં મુકેશ ચૌધરી, વાવનાં મનહર પટેલ અને અરવલ્લીનાં અરજણ પટેલની ધરપકડ કરવામાં આવી છે. તો એક પીએસઆઈની પી.વી. પટેલની સામેલગીરી પણ બહાર આવી છે. આ ઉપરાંત ગાંધીનગરની શ્રીરામ હૉસ્ટેલનાં સંચાલક રૂપલ શર્મા અને વડોદરાનાં યશપાલ સિંહ સામે ફરિયાદ નોંધાઈ છે. તો આજે બપોર બાદ મોટા ખુલાસાઓ થઈ શકે છે. ખુદ રાજ્યનાં પોલીસ વડા પ્રેસ કૉન્ફરન્સ કરે તેવી શક્યાતા છે. આ મામલે કેટલાક લોકોની પુછપરછ કરવામાં આવી છે. પેપર લીક મામલે રાતભર તપાસનો ધમધમાટ ચાલ્યો હતો. પેપર લીક મામલે અરવલ્લી, દાહોદ અને બનાસકાંઠામાં તપાસનો દોર ચાલી રહ્યો છે. તો બીજી બાજુ બાયડની પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
ઉલ્લેખનીય છે કે રવીવારનાં રોજ ગુજરાત પોલીસ ભરતી અંતર્ગત લોકરક્ષક કૉન્સ્ટેબલની પરીક્ષાનું પેપર લીક થઈ જતા પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. પરીક્ષા રદ્દ થતા 9 લાખ જેટલા ઉમેદવારો નિરાશ ચહેરે પાછા ફર્યા હતા. આ ઘટનાને લઇને રાજ્યમાં વિરોધ અને રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાનાં મૂળ સુધી પહોંચવા માટે કેટલાક લોકોની પુછપરછ કરવામાં આવી છે. તો બીજી તરફ એવી પણ ચર્ચા છે કે આ પેપર પ્રિન્ટિંગ પ્રેસમાંથી લીક થઈ શકે છે.