અમદાવાદઃ ગુજરાત રાજ્ય અત્યારે કોરોના વાયરસના પ્રકોપ સામે લડી રહ્યું છે. ગુજરાત ઉપર બીજી એક આફત આકાર લઈ રહી છે. અરબી સમુદ્રમાં તૌક્તે વાવાઝોડું વધારે શક્તિશાળી બન્યું છે ત્યારે ગુજરાત ઉપર સંકટ વધારે ઘેરું બનતું જાય છે. અને તૌક્તે વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારા તરફ ધીમે ધીમે આગળ વધતું જાય છે. સાથે સાથે દરિયા કિનારા ઉપર તમામ પોર્ટ સિગ્નલ લગાવવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી છે કે 18 મે એટલે કે મંગળવારે ગુજરાતના દરિયા કિનારે પહોંચશે.
હવામાન વિભાગના ડાયરેકટર મનોરમાં મોહન્તિએ જણાવ્યું છે કે, 16થી 18 ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થશે. 16મેના અમદાવાદ, આણંદ, ભરૂચ,સુરત,ડાંગ,નવસારી, વલસાડ, તાપી,રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા,કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે. તો ગીર સોમનાથ, દિવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
17 મેના બનાસકાંઠા, પાટણ, ખેડા,અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા,કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે. ભરૂચ,નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દિવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે 18 મેના વાવાઝોડુ ગુજરાત ના દરિયા કિનારા નજીક પહોંચી જશે. વાવાઝોડાના કારણે ગુજરાતના વાતાવરણ પલટો આવશે.સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગીર સોમનાથ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, દેવભુમી દ્વારકા,કચ્છ ,દિવ, રાજકોટ, મોરબી,બોટાદ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તો અમદાવાદ, આણંદ, ભરૂચમાં ભારે વરસાદ થવાનું અનુમાન છે. વાવાઝોડાની અસર ક્યાં ક્યાં વિસ્તારમાં થશે.તેમજ ભારેથી અતિભારે વરસાદની અગાહીને લઈ હવામાન વિભાગ દ્વારા રાજ્ય સરકારને માહિતી આપવામાં આવી છે.સંભવિત વાવાઝોડાને લઈને તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે.તેમજ તમામ જિલ્લા કલેકટરને પણ સૂચનાઓ આપવામાં આવી છે.
હવામાન વિભાગનું અનુમાન છે કે, 18 મેના વાવઝોડું ગુજરાતના દરિયા કિનારા નજીક પહોંચશે. ત્યારે દરિયાના મોજાની તીવ્રતા વધી જશે અને 90થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. વાવાઝોડાના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે.